"ભીંત કંકોતરી"
જેસલમેર ગામનાં કિલ્લાની અંદર રખડતા-રખડતા અચાનક મારી નજર આ ભીંત કંકોતરી ઉપર જઇ ચડી.લગભગ બધા ઘરોની બહાર આવી સરસ મજાની ચિત્ર કારીગરીયુક્ત રચનાઓ જોવા મળી.ત્યાં ઘરની બહાર જ એક પરંમપરાગત વસ્ત્રોમાં બેઠેલા એક વ્રુદ્ધ્ વ્યક્તિ બેઠેલા હતા. મેં કુતુહલવશ આ કંકોતરી વિષે પુછ્યુ અને એ વ્રુદ્ધે તો જાણે કે આખા જેસલમેરનાં ઇતિહાસની મને ઝાંખી કરાવી.
જેસલમેરની આ પરંપરા ઘણા વર્ષો જુની છે જે આજે પણ ત્યાંના લોકોએ જાળવી રાખી છે. જેસલમેર ગામનાં જે ઘરમાં આવતા દિવસોમાં કોઇના લગ્ન થવાનાં હોય તે લોકો આવી રીતે ઘરની બહાર જ આખી કંકોતરી ચિત્રાવી નાખે છે એટલે એનો મતલબ એવો થાય કે આખા ગામને લગ્નમાં આવવાનું આમંત્રણ છે અને આખુ ગામ જમવા આવે પણ છે. જો કે જુનું જેસલમેર ગામ તો બવ નાનું છે અને જેસલમેરનાં કિલ્લાની અંદર જ આવી જાય છે. એટલે માંડ બે એક હજારની વસ્તી થાય. જે ઘરમાં લગ્ન હોય ત્યાં આખા ગામનાં લોકો જાણે કે પોતાનાં ઘરમાં જ લગ્ન હોય એવી રીતે સાથ-સહકાર આપે છે. આ ભીંત કંકોતરી જ્યાં સુધી ઘરમાં બીજા લગ્ન ન આવે ત્યાં સુધી ત્યાં જ ચિત્રેલી જોવા મળે છે. અને ઘરમાં જેવા નવાં લગ્નની તૈયારી ચાલું થાય કે આ ભીંત કંકોતરી પણ બદલાય જાય છે અને જેના લગ્ન હોય તે લોકોનાં નામ આવી જાય છે.રાજસ્થાની વ્રુદ્ધે કહ્યું કે અત્યારે તો એમા પણ આધુનીકતાની છાંટ જોવા મળે છે. અમારા લગ્નમાં તો ફક્ત નામ અને તીથી જ લખતા હતા અને ચિત્રો પણ સાદા હતા પરંતુ હવે તો આ કંકોતરી રંગબેરંગી અને આધુનીક કલરમાં જોવા મળે છે. પરંતુ ગામનાં નવી પેઢીનાં લોકો અને જુવાનીયાઓ દ્વારા આ જુની-પુરાણી પરંમપરા આજે પણ જાળવી રાખી છે એ વાતનો તેને ભારોભાર સંતોષ હતો.