મન જરા ભારે થયું તો સ્હેજ રોઇ લીધું !
જોર ના ચાલ્યુ કશું તો સ્હેજ રોઇ લીધું !
ચાલતાં આજે અચાનક રોજનાં આ રસ્તે;
યાદ આવી ગ્યું કશું તો સ્હેજ રોઇ લીધું !
કેટલાં ઉંડા અનુભવ જિંદગીયે દીધાં;
બોલવું મારે ન'તુ તો સ્હેજ રોઇ લીધું !
ઓરડાંમાં એકલો બેસી રહું છું રોજે;
કામ પણ નોતું કશું તો સ્હેજ રોઇ લીધું !
આમ હું ભાંગી પડું એવાય દુ:ખો નો'તા;
કોણ જાણે શું થયું તો સ્હેજ રોઇ લીધું !
એક શમણું આંખમાં રોપ્યાં પછી એને અગન
ભૂલવાનુ પણ હતું તો સ્હેજ રોઇ લીધું !