સહજ સ્વભાવ
એક ભાઇનાં લગ્ન થયાં.
પત્ની સારી મળી હતી. ગુણિયલ અને સંસ્કારી.
રસોઈ સરસ બનાવતી. સાત્વિક અને સ્વાદિષ્ટ.
પરંતુ આ ભાઈ થોડા વધારે પડતા ડાહ્યા હતા.
સરસ ચા બની હોય તો પણ કહે કે, જરિક ખાંડ ઓછી નાખી હોત તો ઓર મજા આવત.
બીજા દિવસે વળી ખાંડ મૂકીને આદુ પર આવી જાય. અરે, આટલું બધું આદુ નખાય? તીખી લાગે છે!
વળી આદુ અને ખાંડમાં આ બેન ધ્યાન રાખે તો સ્વામીજી ભૂકીની વાતમાં ભૂક્કો બોલાવે.
પણ કોઈ વાતે છોડે નહીં, કેમકે એમનું "દોઢ ડહાપણ" વચ્ચે ક્યાંકથી ને ક્યાંકથી આવી જાય.
બિચારી બેન તો વિચારે ચડી જતી.
મારા પિયરમાં તો સહુ મારી રસોઈનાં વખાણ કરતાં થાકતાં નહીં, અને અહી કેમ આવું થાય છે?
હવે તો આ બિચારી તેની સુધબુધ ભૂલી ગઈ. એને રસોઈ બનાવતી વખતે મીઠા, મરચા, મસાલા, વઘાર અને તેલથી માંડીને કેટલું શેકવું તે સુધીની તેના પતિએ આપેલી હજારો "દોઢ ડાહી" સૂચનાઓ તેને ઘેરી વળતી.
અને એની રસોઈ હવે તો ખરેખર કોઈથી પણ ખાઈ ન શકાય તેવી બનવા માંડી.
વાત ખૂબ વધી ગઈ.
ગૃહંસંસાર ભંગાણના આરે આવી ગયો.
એવામાં આ બેનને લગ્ન પૂર્વે "જાણવા" વાળા એક સજ્જન એના ઘરે આવ્યા.
પરિસ્થિતિ જાણીને વ્યથિત થઈ ગયા.
સંસાર આજ તૂટે કે કાલ તેની ઘડીઓ ગણાઈ રહી હતી.
સજ્જને કહ્યું કે આ દિકરીને હું થોડા દિવસ મારે ઘરે લઈ જાઉં છું. પતિએ પણ હા કહી દીધી.
સજ્જને દીકરીને ઘરે લઈ જઈને બધી હકીકત જાણી. વાત રસોઈ પર આવીને ઊભી રહી.
સજ્જને કહ્યું કે તું તારા પિયરમાં હતી અને જે રીતે તારા "મૂળ સ્વભાવ" મુજબ રસોઈ કરતી હતી તેમ, તારા પતિએ આપેલ બધી સૂચનાને ભૂલી જઈને, રસોઈ બનાવ.
દીકરીએ તે મુજબ, જેમ પિયરમાં બનાવતી હતી તેમ રસોઈ બનાવી.
સ્વાદ અનુપમ હતો.
હવે આ સજ્જને તેમના ઘરે એક સ્નેહમિલન જેવો પ્રસંગ રાખ્યો. સમાજના ખૂબ પ્રતિષ્ઠિત મહેમાનો સાથે આ હતભાગી દીકરીના પતિને પણ બોલાવેલા.
રસોઈ આ દીકરીએ જ બનાવી.
નોકરોએ રસોઈ પીરસી.
જેવી રસોઈ લોકોએ ચાખી સૌ એના વખાણ કરવા લાગ્યા. મહેમાનો કહે આવી રસોઈ તો એમણે જીવનભર ચાખી નથી.
સહુ કોઈએ રસોઈના જે વખાણ કર્યાં તે પરથી પેલા પતિદેવને તેમની ભૂલ સમજાઈ કે મારી પત્ની ખરેખર શરૂથી રસોઈ સારી જિંદગી બનાવતીહતી, પરંતુ મારા કારણે બિચારી એનો અસલ સ્વભાવ ભૂલી ગઈ હતી અને અમારું જીવન નર્ક જેવું બની ગયું હતું.
એમ આત્મા અસલ સ્વરૂપે સુખમય, શાંતિદાયક, પ્રેમમય, આનંદમય, જ્ઞાન સ્વરૂપ, પવિત્ર અને સર્વશક્તિમાન છે.
પરંતુ કર્મયોગે અને માયાના પ્રભાવે આપણી લલાસાઓની પરતરૂપી "દોઢ ડહાપણ" એના ઉપર ચઢી જવાની એનો અસલ સ્વભાવ વિસરાઈ જાય છે અને એ સર્વસંપન્ન હોવા છતાં દીન-હીન થઈ રહે છે.
પરંતુ જેમ દૃષ્ટાંતમાં સજ્જન માણસે આ ગુણિયલબાઈના અસલ ગુણ ઉજાગર કર્યા એમ સદગુરુ આત્મામાંથી જીવાત્માને બની ગયેલા જીવને ફરીથી તેનું અસલ સ્વરૂપ (સહજ સ્વભાવ) ઓળખાવી તેને આનંદધામમાં મેળવી આપે છે.
બળદેવના જય ગુરુ મહારાજ.