ભવિષ્યમાં શું થવાનું એ કોણ જાણી શક્યું છે! આપણે બસ એની કલ્પના કરી શકીએ. એ માટેના પ્રયત્ન કરી શકીએ...
ક્યારેક નિયતિ જાણે મહેરબાન થઈ જાય અને કોઈ કોયડો ઉકેલવા નિશાની આપતી હોય એમ કેટલીક ઘટનાઓ આપણી સાથે ઘટે જાય. આપણી સામે દરેક વખતે બે રસ્તા મૂકે અને એમાંથી એક પસંદ કરવાનું આપણા હાથમાં સોંપી દે...
હવે જ ચાલું થાય ખરી મથામણ! શોર્ટકટ લેવો કે રાહ જોઈ સાચા રસ્તે જ જવું. અચાનક કોઈ અજાણી વ્યક્તિ પોતિકી લાગવા લાગે અને જેની સાથે વરસોથી જોડાયેલા હોય એ અજાણ્યા લાગે. ક્યાંક અટકી જવાય અને મન વિચાર કરવા લાગે, આવું કેમ થઈ રહ્યું છે મારી સાથે? આજથી ચાર મહિના પછી, વરસ પછી, બે વરસ પછી હું ક્યાં હોઈશ? મારા લીધેલા નિર્ણય સાચા હશે કે ખોટા? દરેક વખતે હું ટોપ ઉપર હોઉં એ જરૂરી નથી, પણ મારી નજરમાં હું પોતે ટોપ પર હોવી જ જોઈએ...! આવા વિચાર સંવેદનશીલ માણસને આવી જ જાય
કોઈ મારા વિશે શું વિચારશે કે શું ધારશે એ વિચારવાનું મેં વરસોથી બંધ કર્યું છે. જીવનમાં રોજ કોઈ ને કોઈ ભૂલ કરું છું, બીજા શબ્દોમાં કહું તો ભૂલ થઈ જાય છે, એ વખતે થોડું દુઃખ જરૂર થાય પણ એની એ ભૂલ હું ફરી ક્યારેય નથી કરતી. આ બધી ભૂલો જ ખરું જુઓ તો મારી એ શિક્ષિકાઓ છે જેમણે મને કેટલીય વાતો સફળતાપૂર્વક શીખવી છે. જીવનનાં દરેક તબક્કે હું કંઈ નવું શીખતી રહુ છું અને એ શીખવાની વૃતિ જ જીવનમાં ખુશ રાખે છે.
તમારા જીવનમાં પણ તમે ક્યારેક આવું અનુભવતા હશો. કોઈ ક્ષણે લીધેલો તમારો નિર્ણય સાચો હતો કે ખોટો એ હવે જાણી ગયા હશો. લાંબા ગાળે સમજાઈ જાય છે આ દુનિયામાં કશું સો ટકા સાચું કે ખોટું નથી! કયું વધારે સાચું અને વધારે ખરાબ એ બેમાંથી આપણે આપણી બુદ્ધિ અને સંજોગ અનુસાર નિર્ણય લેતા હોઈએ છીએ. એનું પરિણામ જે પણ આવે તમારા માટે એનું શું મહત્વ છે એ જ જરૂરી... લોકો એનાથી શું વિચારશે કે કહેશે એનાથી કોઈ ફરક નથી પડતો.
ટુંકમાં મન વિચારે ચઢ્યું છે, નિયતિએ આપેલો કોયડો આ નિયતી ઉકેલી શકશે કે કેમ? વરસોથી હું જે માનતી આવી છું એ બધું હવે બદલાઈ રહ્યું છે, ખોટી હું ત્યારેય ન હતી આજે પણ નથી, ભવિષ્યમાં શું હશે?
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏