ચાલો એક મસ્ત વાર્તા વાંચવા આવી જાઓ...😍
સુપરમેન
હું ચૈતાલી, મને ઓફિસમાં ફોન આવ્યો કે મારા દાદાનો અકસ્માત થઈ ગયો છે! હું હાંફળી-ફાંફળી રજા લઈને ઘરે ભાગી. સારું હતું કે એમને બહુ વાગ્યું ન હતું, બસ હાથ પગ થોડા છોલાઈ ગયેલા! મને જોતા જ એમણે હસતા, હસતા કહ્યું,
“જો મને બહું દુ:ખે છે, એટલે આરામ કરવા દે, જે લડવું હોય એ કાલે."
“ઊભા..રે...જો! હવે તો હું હાથે કરીને દુ:ખાડીશ, ”મેં હજી તો એમને આંગળીયે નહોતી અડાડી ને એમણે સીસકારા બોલાવવા માંડ્યા.
“અરે પણ જરુર શી હતી ચાલું બસની આગળ જવાની? આ ઉંમરે હવે શું સુપરમેન બનવાના કોડ જાગ્યા છે હેં?”
“અંદર આવું બહેન?” સાઠેક વરસના એક વડીલ દરવાજે ઊભા હતા એ અંદર આવ્યા અને મારા દાદા સામે હાથ જોડીને બોલ્યા,
“આપનો ખુબ ખુબ આભાર સાહેબ! તમે જેને બચાવ્યો એ મારો એકનો એક પૌત્ર, નયન હતો. હજી ગયા વરસે જ એના પપ્પાનું એક અકસ્માતમાં મોત થયેલું ને જો આજે નયનને કંઈ થઈ જાત તો.., તો અમે સપરીવાર આપઘાત કરી લેત.” એમની આંખમાંથી વહી રહેલા આંસુ લુછીને એમણે મારી તરફ જોયુ, “આ તારા દાદા છે ને એ સાચુકલા સુપરમેન જ છે! આ ઉંમરે એમણે જે સ્ફુર્તિથી દોડીને મારા નયનને ધક્કો માર્યો ને એ પણ સામે ધસી આવતી બસનીયે પરવા કર્યા વિના એ કોઇ કાચાપોચા માણસનું કામ નઈ, હોં દિકરી! અમે તો જિંદગી ભરના એમના ઋણી થઈ ગયા. એની દાદી અને મમ્મી બેય જણાએ આપનો ખુબ આભાર માન્યો છે, સાહેબ!”
થોડી બીજી વાતો કરીને એ મહોદય વિદાય થયા એટલે મારા દાદાને બોલવાનો મોકો મળ્યો,
“આખુ ગામ ભલે મારા વખાણ કરે પણ તું તો, મારા માથે માછલા જ ધોવાની.”
“હા કેમ કે, નાનપણમાં હુ જ્યારે અનાથ થઈ ત્યારે આ દાદાએ જ સુપરમેન બનીને મને એકલે હાથે ઉછેરી, પોતાના પગ ઉપર ઊભી કરી. આ દાદા એ મારા દાદા છે, મારી એકલીના સુપરમેન! એમને હવે હું કોઇ જોખમ નહી લેવા દઉં, સમજ્યા તમે?” છેલ્લે તો રડતા રડતા મેં ઘાંટો પાડીને ,એમના ગાલે ચુંટલો ભરતા કહ્યું.
“સારુ બાપા! ચાલ રડવાનુ બંધ કર નહિંતર હુંયે રડી પડીશ!”
બોખા મોઢા વાળા દાદાને પૌત્રી બન્ને રડતાં રડતાં હસી પડ્યા...!!
નિયતી કાપડિયા.