હું તને ક્યાં કશું
લખી શક્યો છું?
બસ તું જ મારામાં લખાતી જવ છું
તારા ચહેરા પર
ખોવાયેલો સુખદ પ્રસંગ,
મિલનની ક્ષણોમાં
આંખોમાંથી ધસી આવેલો
ખરાશનો દરિયો,
જીવનમાં સાથે ન ચાલી શકવાના
ન ભોગવાયેલા સ્પંદનનો
લાગણીઓ, યાદો, સુખદ ક્ષણો,
તારા હાથમાં લગાવેલી એ મહેંદીની સુવાસ,
નજીક આવતા અથડાતા
તારા ગરમ શ્વાસનો સ્પર્શ,
પથારીમાં સેવેલા પડખાની હુંફ,
તારી સાથે ગાળેલા ચોમાસાની ભીનાશ, એકબીજાનો હાથ પકડીને ચાલેલા
શાંત રસ્તે એ પગરવ અને પડછાયા.
રાતો જાગીને કરેલા ઉજાગરા
અને એની વાતોના સંવાદો,
શરૂઆતમાં તારા મીઠા ગુસ્સા,
થોડા રીશામણા
થોડા મનામણાં,
થોડા પુરા ને થોડા અધૂરા વાયદા,
વર્ષોના સહજીવનની
સાથે ગાળેલી એવી કેટલીયે ક્ષણો
ધીમે ધીમે સરકતી જાય છે,
લપસતી જાય છે,
કલમ, કાગળ, પંક્તિ,
શબ્દ, અક્ષર રૂપે
માત્ર હવે અછાંદસમાં લખાતી જવ છું.
તું
જીવનને પછેડીમાં બાંધીને
ઉજાગર કર,
જીવનમાં ઢબૂરાઈ રહેલા
ડુમાના પરપોટાની છાલ ઉખેડી
ફેક, ચાલ સંગે સંગ જીવન માણી લે.
અતુલ પટેલ મુસાફિર