‘’ કુછ તો લોગ કહેંગે..’’
આપણા નવા સાહસ કે નવા વિચાર અંગે બીજા શું કહેશે ? તેનો આપણને સતત ભય રહેતો હોય છે. ક્યારેક સમાજનો આવો ખોટો ભય આપણને આપણા લક્ષ્ય સુધી પહોચવામાં અંતરાય ઉભા કરે છે.
કોઈપણ નવો વિચાર કે નવા સાહસની શરૂઆત મોટેભાગે વિરોધથી થાય છે. તમારા નવા વિચારને લોકો ભલે નકારાત્મકતા થી જુએ અને પોતાના મત રજુ કરે પરંતુ આપણે આપણા સાહસ કે વિચારને દ્રઢ પણે વળગી રહી આગળ વધવું.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર સંસદની ચૂંટણીમાં અનેક રાજકીય ખેરખાંઓ અને વિશ્લેષકોએ તેઓના વિજયને લઇ અનેક શંકા, કુશંકાઓ વ્યક્ત કરી અનેક પ્રકારની નકારાત્મક વાતો ફેલાવી હતી.કોઈ રાજકીય વ્યક્તિએ તો એવું કહેલ કે ‘શ્રી મોદી વડાપ્રધાન બને એ માત્ર સ્વપ્ન જ છે અને જો તેઓ વાસ્તવમાં વડાપ્રધાન બને તો હું રાજકીય ક્ષેત્રે સન્યાસ લઇ લઉં.’
સપના જુઓ. સપના એક દિવસ અવશ્ય સાચા પડે છે. આપણા વિચાર કે લક્ષ્યને અંગે બીજાના મંતવ્યો કે ટીકાનો મનમાં ડર રાખવો નહિ. આજે તમારી ટીકા કરનારા જયારે સફળ થશો ત્યારે તમારું સન્માન કરવા કે પ્રશંસા કરવા પ્રથમ હરોળમાં જ બેઠા હશે તેવું પણ બની શકે.
તમારા ટીકાકારોને હમેશા તમારી નજીક રાખો, જે તમારી ભૂલો કાઢે તેનો આભાર માનો કારણકે તેઓજ આપણને આપણા લક્ષ્ય સુધી પહોચવા પ્રત્યે જાગૃત રાખે છે.
ટહુકો :
તમારા ટીકાકારોને કાયમ તમારી નજીક રાખવા,
ખોટી પ્રશંસા કરનારથી પ્રમાણિક અંતર રાખવું.
કેતન મોટલા ‘રઘુવંશી’