નુતન વર્ષ નુતન વિચાર......
જીવનને બદલી શકો છો.
જીવનની મુશ્કેલ ઘડીમાં ક્યારેક આપણે હતાશ, નિરાશ થઇ થાકી હારી જઈએ છીએ.જીવન ક્યારેક બોજ રૂપ લાગે છે. ક્યારેક કસુર વગર દંડ મળી રહ્યો હોય તેવું લાગે છે. મનમાં અને વર્તનમાં નકારાત્મકતા આવવા લાગે. આપણું ધારેલું થતું નથી અને પરિણામે જીવન અસ્તવ્યસ્ત થઇ રહ્યું હોય તેવું લાગે છે.
આવી પરિસ્થિતિ પાછળનું કારણ માત્ર ને માત્ર આપણા મનની વિચારધારા છે. કોઈપણ બાબત કે સમસ્યાને આપણો જોવાનો અભિગમ કેવો છે તેના પર આધારિત છે. જીવન પ્રત્યેનો તમારો અભિગમ નબળો હોય તો જીવન દુઃખદાયી બને છે.
ખુશ રહેવા ખુશીનો વિચાર કરવો આવશ્યક છે. આપણા મનને હકારાત્મકતા તરફ લઇ જઈ શ્રેષ્ઠતાનો વિચાર કરો. સુખી થવાના વિચારો કરનાર સુખી બને છે. શ્રેષ્ઠથી કઈ ઓછું ન ખપે તેવો દ્રઢ સંકલ્પ કરી પોતાના ક્ષેત્રમાં મક્કમતા પૂર્વક આગળ વધવું.
વાસ્તવમાં આપણે જેવું ધારીએ તેવા બનીએ છીએ. જેવો જેનો વિચાર તેવું તેનું જીવન.નબળો વિચાર માણસને નબળો બનાવે છે માટે આપણા વિચારો ઉચ્ચકોટીના અને ગગનચુંબી હોવા ઘટે. જીવનની કોઈપણ સમસ્યાનો મક્કમતાથી સામનો કરી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયાસ કરવો.
દરેક વ્યક્તિ પોતાની સફળતા નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર હોય છે. સમય, સંજોગો કે કોઈ વ્યક્તિને દોષ આપવો વ્યર્થ છે. તમારૂ જીવન તમે પોતે જ બદલી શકવા સમર્થ છો. માટે જીવનને ઉન્નતિના માર્ગ પર લઇ જવા દ્રઢ મહેનત, સાહસ અને ઉચ્ચ વિચારો સાથેનો શુભ સંકલ્પ જીવનને સુખ અને આનંદની અનુભૂતિ તરફ લઇ જશે.
ટહુકો :
જો તમે તમારા મનને બદલી શકો,
તો તમે તમારા જીવનને બદલી શકો.
કેતન મોટલા ‘રઘુવંશી’