વિચારો તમે ખુલ્લા આકાશ નીચે આરામ ખુરશીમાં બેઠા છો, સામે ઘીચ જંગલ જ નજરે પડે છે, ઝરમર વરસાદ શરૂ જ થયો છે. એક ગીત અચાનક સંભળાઈ જાય છે, સામેથી એક યુવાન કપલ પસાર થઈ રહ્યું છે એમની જ મસ્તીમાં, તમે એમને જુઓ છો અને ફરીથી ગીત સંભળાય છે,
“સાવન બરસે તરસે મન, ક્યોં ના નિકલે ઘર સે દિલ
બરખા મેં ભી દિલ પ્યાસા હૈ, યે પ્યાર નહીં તો કયા હૈ..!"
અચાનક તમે ભૂતકાળમાં સરી પડો છો.
મારા ક્લાસમાં વરસની વચ્ચેથી ત્રણ નવા છોકરાઓ આવેલા, મજાની વાત એ હતી કે એ ત્રણેય રાજકોટથી આવેલા... એમની બોલીમાં કાઠિયાવાડી લહેકો હતો જે મારા માટે નવાઈની વાત હતી!
એમાંનો એક ભાઈ મારાથી બે બેન્ચ આગળની લાઈનમાં બેઠેલો અને પછીથી મારું ધ્યાન ગયું કે એ સતત પાછળ ડોકિયું કરી મારી સામે જ જોયા કરતો હતો. જેવી સ્કુલ છૂટી કે મેં એને રસ્તામાં ઊભો રાખીને ધમકાવતા પૂછેલું,
“સ્કૂલમાં ભણવા આવે છે જે શું કરવા, હેં? મારી સામે શું જોઈ રહેલો? એક લાફો લગાવી દઈશ,"
હું ગુસ્સામાં એને બોલી રહેલી અને એ ચક્રમની જેમ મારી સામે જોઈ જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયો હોય એમ હસતો ઊભો રહેલો. એના બીજા બે ભાઈ એની મદદે આવી ગયેલા અને મને બોલવા લાગ્યા ત્યારે ઓલો પહેલી વાર જાગ્યો હોય એમ વચ્ચે બોલેલો અને એના ભાઈને ચૂપ કરાવી, એનો હાથ ખેંચી ઘર તરફ ચાલતો થયેલો. એ જ રસ્તે મોટા ભાગના બધા મારા જાણીતા હતા કોઈને પણ કહું કે, આ છોકરાઓ મને વઢે છે તો એમને મેથીપાક મળત જ એ નક્કી હતું... પણ હું ચૂપ રહી.
એ પછી એને ખીજવવાની મને મજા આવવા લાગી, એક આજ્ઞાકારી ગુલામની જેમ એ મારું કામ કરી આપતો.. મને એનું નામ પણ યાદ નહતું એની બોલવાની લઢણ ઉપરથી હું એને “કાઠિયાવાડી" કહીને જ બોલાવતી અને એણે ક્યારેય વિરોધ નહતો કર્યો. સાવ ગરીબડી ગાય જેવો જ એ હતો.
એક દિવસ હું માર્કેટમાં ગયેલી મારી સાથેના એક દુકાને ઊભા રહી ગયેલા, સ્કૂલમાં ત્યારે વેકેશન હતું અને હું કંટાળી ગયેલી. ત્યાં જ મને એ કાઠિયાવાડી દેખાયો. એ પણ એના ઘરની બે સ્ત્રીઓ સાથે ખરીદી કરવા આવેલો... મારું એ સ્ત્રીઓ તરફ જરાય ધ્યાન નહિ અને મેં મોટેથી બૂમ મારીને કહ્યું, “એ કાઠિયાવાડી અહીંયા શું કરે છે?"
તરત એની સાથેની મહિલાએ આવીને કહ્યું, “લે આ છોડી આમ કેમ કે છે? એનું નામ કાઠિયાવાડી નથી"
બીજું પણ થોડું ઉતાવળે એ બોલેલી મારા જ પલ્લે કશું નહતું પડ્યું હું લગભગ રડી પડવા જેવી થઈ ગયેલી અને ત્યારે હંમેશા શાંત રહેતો એ છોકરો એકદમ ગુસ્સે થઈને એ બંને સ્ત્રીઓને એમનાથી વધારે ઉતાવળે ઉતાવળે બોલવા લાગ્યો... એ લોકો મને ના બોલે, હું એની દોસ્ત છું અને સ્કૂલમાં આવું બધું ચાલે, એ મતલબની એ ચર્ચા હતી એટલું હું સમજી હતી.
એ દિવસે મેં નક્કી કર્યું કે હવે એ જ્યારે મળે ત્યારે હું એનું નામ પૂછી લઈશ અને હવે પછી ક્યારેય એને હેરાન નહીં કરું... ખેર એ દિવસ ક્યારેય આવ્યો જ નહિ. એ વરસ મારું એ સ્કૂલમાં છેલ્લું વરસ હતું અને ત્યાર બાદ અમે લોકો હંમેશા માટે બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયેલા. હજી ક્યારેક કોઈ ક્યૂટ છોકરાને કાઠિયાવાડી લહેકામાં બોલતો સાંભળું છું ત્યારે એ બાળપણના નાનકડો દોસ્ત યાદ આવી જાય છે જેનું નામ પણ મને નથી ખબર...!