તને હું મળી ના શકું તો મને માફ કરજે,
ને દુ:ખમાં ભળી ના શકું તો મને માફ કરજે.
છે મજબૂરી મારી ઘણી ને ઘણાંયે છે બંધન,
જો પાછી વળી ના શકું તો મને માફ કરજે.
છું બિંદાસ પણ બેવફાઈ નથી કરવી મારે,
હું ખુદને છળી ના શકું તો મને માફ કરજે.
જરૂરત તને હૂંફ ને પ્રેમની હોય કિન્તુ,
હું તે જો કળી ના શકું તો મને માફ કરજે.
ઉમળકો અને આશ સાથે તું બોલાવે મળવા,
ને હું નીકળી ના શકું તો મને માફ કરજે.