*નવા જમાઈને સસરાએ*
*લખેલો પત્ર*
✒લેખક: *ડૉ. નિમિત્ત ઓઝા*
પ્રિય દીકરા,
થોડા સમય પહેલા મારી બાયપાસ સર્જરી કરાવતી વખતે, ઓપરેશન ટેબલ પર મારી જાતને મેં ડૉક્ટરોના હાથમાં સોંપી દીધેલી. *બસ, એટલી જ શ્રદ્ધાથી મારી દીકરી તને સોંપુ છું.* મારી દીકરી અત્યાર સુધી એવું જ માનતી આવી છે કે પુરુષ એટલે પપ્પા. તું એની જિંદગીમાં આવનારો સૌથી મહત્વનો બીજો પુરુષ છે. *એ હંમેશા તારી સરખામણી મારી સાથે કર્યા કરશે. એને હજી સુધી ફક્ત પપ્પા જ સમજાયા છે, એને પુરુષને સમજતા વાર લાગશે.*
*એ તારી પાસે ક્યારેય ‘રાડો’ કે ‘ફોસિલ’ ની રિસ્ટ વોચ નહિ માંગે. એ તારી પાસે ફક્ત સમય માંગશે* . જે કદાચ હું એને નથી આપી શક્યો. મારી દીકરી માટે હું એક એવો સુપરસ્ટાર રહ્યો છું, જેની પાસે ‘તારીખ’ સિવાય બધું જ છે. અને છતાં મારી દીકરીને મારી માટે કોઈ જ ફરિયાદ નથી, એ વાતની મને સૌથી મોટી ફરિયાદ છે.
*એ તને ક્યારેય પોતાનું મોબાઈલ બીલ ભરવાનું નહિ કહે. એ તને પોતાની એકલતા ભરવાનું કહેશે* . એની મમ્મીએ એને બધું જ શીખવ્યું છે. બસ, એને એકલા એકલા વાતો કરવાનું નથી આવડતું. એને વાતો કરવા સતત કોઈની જરૂર પડે છે. વાતો કરવા માટે હું એને ક્યારેય કાન નથી આપી શક્યો. વાતો નહિ કરી શકવાના કારણો જ આપી શક્યો છું.
એને બહાનાઓ ન આપતો. મેં એને ઓલરેડી બહુ આપી દીધા છે. *એવું તો નહિ કહું કે આંખમાં ક્યારેય આંસુઓ ન આવવા દેતો. બસ, એને તારો રૂમાલ આપજે.* મારા રૂમાલને આજે પણ અફસોસ છે, એના ગાલ સુધી નહિ પહોંચી શક્યાનો..!!🙏🏼
*💟 સંવેદના ના ઝરણાઓ 💟*