મારી વાત ૧૫૮
‘’ક્ષણે ક્ષણનું મુલ્ય’’
માનવ સ્વભાવ બહુ ભલો, ભોળો છે. જીવનમાં સુખ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આપણે એવા તે ખૂંપી જઈએ છીએ કે જીવનમાં બીજું કશું જ દેખાતું નથી. પરિણામે જીવનની ઘણી મહત્વની બાબતો ચુકી જવાય છે.
આપણને ખબર છે કે ધન, પદ, પ્રતિષ્ઠા કાયમી નથી છતાં તેને પામવા દિવસ રાત એક કરીએ છીએ આવી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ મનમાં અસંતોષ રહે છે. સતત ખાલીપો અનુભવાય છે. કૈક મેળવ્યા પછી પણ કશું ગુમાવ્યાનો રંજ રહે છે. જીવનનો ખરો આનંદ મળતો નથી.
મોટાભાગના લોકોને તો ખ્યાલ જ નથી કે તેઓ જીવનમાં શું ગુમાવે છે. સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની આંધળી દોટમાં પોતાના સ્નેહી, સ્વજન કે મિત્રો માટે પુરતો સમય રહેતો નથી. અરે ! ક્યારેક સ્વયં માટે પણ સમય રહેતો નથી.
જીવન બહુ ટુકું છે. ગુમાવેલી ક્ષણ પાછી આવતી નથી એટલે જીવનની શેષ રહેતી ક્ષણોનું મુલ્ય જાણી જીવનને સ્વયં માટે જીવી બતાવવાનું છે. આપણા શોખ, રૂચી ને કેળવવા સાથે યાત્રા, પ્રવાસનો આનંદ લેવો. પ્રકૃત્તિના સાનિધ્યમાં મુક્ત મને ફરવું. માનવીય સંબંધોના મૂલ્યને સમજવું.
આ શારીર નાશવંત છે એટલે જ્યાં સુધી આપણા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સેવા, સત્કર્મ અને છેવાડાના માણસને મદદ પહોચાડતા રહી જીવનની ક્ષણે ક્ષણ ધન્ય બનાવવી.
ટહુકો :
સ્વયં માટે સમય કાઢવો,
સમજદારી ભર્યું કદમ છે.