Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારે બાજુવાળાને આટલું કહીને તરત ઘરમાં ભાગી જવાની ઈચ્છા થઈ જાય, શિયાળાની અસર જે શરૂ થઈ ગઈ છે! પણ... કેટલાક લોકો હજુ એવા આ દુનિયામાં છે જે પોતાની અગવડને અવગણી બીજાની મદદ કરવા દોડે છે, બીજા પ્રાણીઓ અને જીવજંતુઓની...

હું અહીં વાત કરી રહી છું ભગવતીબેનની.. વરસોથી એ રોજ સવાર સાંજ સાત આઠ રોટલી બનાવી એમાં ઘી નાખી ચુરમું બનાવી કૂતરાંઓને નીરે છે! રોજ એમના ઘર આગળ ચાર પાંચ કૂતરા બેઠેલા જ હોય. ટાઢ, તાપ, વરસાદ ભલે ગમે તેવી જ પરિસ્થિતિ હોય કૂતરાંઓને રોજ ખાવાનું મળી જ જાય. ક્યાંય બહાર ગયા હોય તો પણ સાંજ થતાં તો પાછા આવી જ જાય...એમને એક જ ચિંતા હોય બિચારા કૂતરા ભૂખ્યા થયાં હશે! પહેલાં એમના પતિદેવ અને એ બંને સાથે મળીને આ કામ કરતા હવે એ એકલા છે...છતાં કામ ચાલુ જ છે!

બીજા પણ એક દાદા છે, એમનું નામ મને નથી ખબર, આખું મોઢું ઢંકાઈ જાય એ રીતે ટોપી ઉપર મફલર અને આખા શરીરે શાલ વીંટાળીને સવારે વહેલા એ નીકળે છે. એક હાથમાં કોથળી હોય એમાં સફેદ પાઉડર જેવું કંઇક ભરેલું હોય..ચાલતા જાય અને રસ્તામાં ક્યાંક ક્યાંક અટકી એ પાઉડર જમીન ઉપર ભભરાવીને આગળ ચાલવા લાગે. પાછળથી મને ખબર પડી કે એ સફેદ પાઉડર લોટ હોય છે અને એ દાદા કીડિયારું પૂરવા નીકળ્યા હોય છે! ડગુમગુ ચાલે, ધીમે ધીમે આવતા એ દાદાને જોવા એ પણ એક લહાવો છે એટલું મસ્ત સ્મિત રમતું હોય એમના વૃધ્ધ, કરચલીઓવાળા ચહેરા પર રસ્તામાં આવતી ગાયો અને કૂતરાને પણ એક વહાલ ભર્યો હાથ ફેરવી દે..જે મળે એને બે હાથ જોડી નમસ્કાર કરે..! ગમે તેવી સીઝન હોય થોડા મોડા વહેલા પણ એ બહાર નીકળે જરૂર.

મારા ઘરે કામ કરવા આવતા બહેનના ઘર નજીક એક ડોશીમા રહે છે એ આખો દિવસ બધાને ઘરે ફરી ફરીને કપડાં માંગે, ખાસ કરીને નાના છોકરાઓના કપડાં અને પછી એ કપડાં નવા જન્મેલા ગલુડિયાઓને પહેરાવી દે..! પાછા કહે, “આ બચારાઓને પણ ઠંડી લાગે, એમને ઓઢાડીને તો ફાડી નાખે કપડાંની જેમ પહેરાવી દઈએ તો એમને ગરમાવો રહે!"

મને ખરેખર નવાઈ લાગે છે, કોણ છે આ લોકો? ક્યાંથી આવે છે? એમને જોઇને જ દિવસ સુધરી ગયાની લાગણી થઇ આવે. માયાળું માનવીઓ ભગવાન કોઈ સ્પેશિયલ એડિશનમાં બનાવતો હશે? પ્રયત્ન કરું છતાં હું એમના જેવી નથી બની શકતી... પોતાના કામમાંથી જ નવરાશ નથી મળતી ત્યાં આ બીજી લપ કેમની પાળવી....એમ વિચારી છટકી જવા પ્રયાસ કરું છું પણ મનમાં એક ચચરાટ થાય, હું ખોટી છું સાચું કામ તો એ લોકો કરી રહ્યા છે!
એક આડ વાત આ લોકોને આજ સુંધી ક્યારેય ગલીનું કે શહેરનું કોઈ કૂતરું કરડી નથી ગયું કે નથી કોઈ ગાયે ભેટું નથી માર્યું...! એ લોકો તંદુરસ્ત પણ ખરા, રોજ રોજનો એમને મળતો આત્મસંતોષ એ પાછળ કારણભૂત હશે? ઉંમરના છેલ્લા પડાવે પહોંચ્યા પછી પણ સતત કાર્યરત... આપણી જેમ નહિ કે આજે ઠંડી વધારે છે કહી સ્વેટર ઉપર શાલ લપેટી નાખીએ કે આજે ગરમી બહુ છે કહીને બે પ્યાલા છાછ ઉપર આઇસ્ક્રીમ ઢબકારી ફેસબુકમાં એક પોસ્ટ લખી નાખીએ.

હું તો પોસ્ટ લખું... મને આત્મસંતોષ એમાંથી મળે છે એટલે કોઈએ મને એ બાબતે ટોકવી નહિ...સવાર સવારમાં આ પોસ્ટ સારી લાગી હોય, તમારી આસપાસ એવા માણસો હોય કે તમે ખુદ એવા પરોકારી માણસ હોં તો કૉમેન્ટમાં લખજો..?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111298438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now