“બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા”
કહીને પાત્ર યુવાને, માતાની કરમાં ધર્યું,
કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,
એકે બિન્દુ પણ રસ તણું કેમ હાવાં પડેના ?
“શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?” આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં;
“રસહીન ધરા થઇ છે; દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું” બોલી માતા ફરી રડી.
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતા તણે પગ પડી ઉઠીને કહે છે;
“એ હુંજ છું નૃપ, મને કર માફ બાઈ !
એ હુંજ છું નૃપ; મને કર માફ ઈશ !”