❛થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…
વગર ઊંધે જ સપનાને પ્રદેશે જઇ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ પડી આંખો…
અમે તો જોઇને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,
હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો…
ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,
પરંતુ એક વખત ગઇ તો પછી ના સાંપડી આંખો…
ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,
હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…
છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી જ દ્રષ્ટીનું,
જગત ને જાત વચ્ચેની બની ગઇ છે કડી આંખો…
અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારી, જરા તો ડર,
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો…
જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,
પછી જન્નતમાં જ મારી ઊઘડી આંખો…❜