ધરતીનો છેડો ઘર...એવું કહેવાય છે, પણ ઘરનાં દરવાજે પહોંચવું હોય તો આખી ધરતી ખૂંદી નાંખવી પડતી હોય છે. તમારું પોતાનું સરનામું બનાવવા ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે.
ઘર એટલે શું?
ઘર એટલે ઇશ્વરની ધરતી પર મારો એક નાનકડો ખૂણો...મારી જાતને મળવા હું જ્યાં જાઉં એનું નામ ઘર...
ધર એટલે મારો વૈભવ, મારો અસબાબ બતાવવાની જગ્યા? કે ઘર એટલે મને પસંદ છે એ ચીજો વચ્ચે હું રહી શકું એ જગ્યા?
બાબુ રાજેન્દ્ર પ્રસાદ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે રાષ્ટ્રપતિભવનમાં ૩૬૦ રૂમ હતા, એમાંથી રાજેન્દ્ર પ્રસાદ માત્ર ૨ જ રૂમમાં રહેતા. વડોદરાનાં રાજપેલેસમાં ૧૮૦ રૂમ છે અને એમાં થોડા વર્ષો માત્ર ૩ જ જણ રહ્યા.
૭૦૦ એકરમાં ફેલાયેલો આ પેલેસ એ ઘર? કે લ્યૂટેન્સની દિલ્હીમાં હજારો એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન એ ઘર? કે પછી દસ બાય દસનો એક નાનાકડો રૂમ-જ્યાં તમે અમાપ સપના જોઇ શકો એ ઘર?
ચાર દિવાલોની વચ્ચે હોવું એ જ ઘર? કેટલાક લોકો આવું પૂછતા હોય છે. હું માનું છું હા...મારા ઘરની દિવાલો મારો કિલ્લો છે અને દરવાજા મારા પહેરેદાર....એવું પણ કહેવાય છે કે ઘર છોડી જનારને મળતી વિશ્વતણી વિશાળતા....પણ વિશાળતા ક્યારેક ડર પેદા કરે છે અને એટલે જ ચાર દિવાલો વચ્ચે રહેવું ગમતું હોય છે.
સાપની સામેની લડાઇમાં નોળિયો થાકી જાય ત્યારે એ નોળવેલ સૂંઘી આવે છે. ઘર મારા માટે નોળવેલ છે.
ઘરની બહાર લગાડી છે એ નેમ-પ્લેટ નથી હોતી માત્ર...એ ઉખાડીને જુઓ તો એની પાછળ સાકાર થયેલું સપનું દેખાશે...નેમ-પ્લેટ એ કરાયેલા સંઘર્ષની ઉંડાઇ છે. નિષ્ફળ અને સફળ થયેલા પ્રયત્નો છે !
ઇશ્વરનાં ખોળામાં માથું મૂકીને ઊંઘું તો મને અદભૂત ઊંઘ આવે પણ ઇશ્વર મળે ત્યાં સુધી જેની પથારી પર આરામથી ઊંઘી શકું એ ઘર....
ઘર એ મારા માટે વન છે, વગડો છે, વિસામો છે....
એ મારું ઘર છે...નવું ઘર...!!
-Esha Dadawala