આપણો જ્યારે સમય બદલાય છે,
હોય સાથે એય સામે થાય છે.
સાવ ખોટા આંસુડા સારે સગા’,
પીઠ પાછળ મુંછમાં મલકાય છે.
ભાર દફતરનો હટાવીને જુવો,
ફૂલ જેવા બાળકો કરમાય છે.
આંખ તારી ખાય છે ચાડી બધી.
મારો ખાલીપો તને વર્તાય છે.
શ્વેત લીલું હોય કે ભગવું પ્રશાંત,
ધર્મના નામે બધું વેચાય છે.
...પ્રશાંત સોમાણી