મેં જોઈ છે એક સફર : એક છોકરીની એક સ્ત્રી બનવા સુધીની, એક ટીનેજર ગર્લથી એક મચ્યોર્ડ મધર બનવા સુધીની.
મારી બેન, જલુ'દી..
સૌથી મોટી એટલે સૌથી વધુ જવાબદાર. અમારા ભાઈ-બહેનોમાં ફેમિલી પ્રોબ્લેમ્સ એણે સૌથી વધુ જોયેલાં છે, એટલે જ કદાચ બધામાં સૌથી ગંભીર એ છે. મને યાદ છે એણે અગિયારમુ પાસ કર્યું પછી બારમું ન ભણી, કેમ કે બાપાને ચારેયના ભણવાની ફી પોસાય એમ નો'તી. બસ ત્યારથી લાગી ગયેલી ઘરે ટેકો કરવામાં. જવાબદારી પહેલાંથી થોપાયેલી એટલે ચાલાકીની આવડત ન આવી એનામાં.
આજે આ લખવાનું મન થયું કેમ કે આજે એ એક મા છે, બે મહિના પહેલા એક ફૂલ જેવી દીકરીને એણે જન્મ આપ્યો.
આજે વિચાર કરતાં એની સાથેનો સમય એક ફ્લેશબેકની જેમ મગજમાં ફરી ગયો. એની ભણવાની ચોપડીઓ પરથી મારું ચિત્રોનું દોરવું, પપ્પા સાથે એની સ્કૂલની વાલી મિટિંગોમાં જવું, કોઈ સહેજ જોરથી કંઈ કહી દે તો તરત આંખમાં આંસુંનું આવી જવું, સાંજે થાકી-પાકીને એનું કામેથી આવવું અને છતાંય રસોઈથી માંડી તમામ કામો પતાવવા, અમે ત્રણ લડતાં ને કોઈ એનું ન માને છતાં એનું વચ્ચે પડવું, એની એ કાચબા સ્પીડથી કામ કરવાની ખરાબ આદત, કોલેજ કાળમાં મારી ને કોઇ છોકરીની વાત એનાં સુધી પહોંચે તો કોઈને નં'ઈ કહેવાની શરતે માખણ મારી માહિતી કઢાવવાની એની આદત, મારા કપડાંની ખરીદીમાં એની જ પસંદનું કલર કોમ્બિનેશન, એનાં કપડાં ની ખરીદીમાં કલર અને પેટર્ન ની દલીલોમાં દુકાનદારનું અમારી સામે તાકી રહેવું, ભણવામાં એવરેજ હતી એટલે એનું પહેલાં ધોરણનું રિઝલ્ટ હાથમાં આવે ત્યારે પેટ પકડીને હસવું (એ રિઝલ્ટમાં 91% લખ્યા છે..!!?), ટેક્નોલોજી સાથેનો એનો છત્રીશનો આંકડો, જ્યારે પહેલી વાર એને છોકરો જોવા આવેલો ત્યારે એનાં ચહેરા પરની એ ગુલાબી શરમ, સગાઇ પછી બનેવી સાથે વાત કરતા કરતા ફોન ચાલુ રાખીને જ એનું ઉંઘી જવું, પપ્પાને ખબર પડતાં પહેલાં એને જગાડી મારું એને પથારીમાં સુવરાવવુ, રોજની અમારી બંનેની એ જ બાબતની રઝકઝ, લગ્ન વખતે એનું એ ધુધવાયેલુ મન, ખુશી અને ઉદાસી મિશ્રિત એનો એ ચહેરો. એ બધું અત્યારે નજર સામે ઊભું થઈ ગયું.
જેમ વિડિયો ગેમના લેવલ આગળ વધતા જઈએ ને ચેન્જીસ ધ્યાનમાં આવે એમ એનાં સ્વભાવના ચેન્જીસ હું જોઉં છું. એક દીકરી બની, પછી બહેન, પછી ફિઆન્સે, પછી પત્ની અને આજે એક મા..
-અર્જુન સથવારા "અજ્જુ"