સમયની ધાર પર ગરદન ઉઠાવીને ઊભો છું હું,
હજારો જખ્મની યારી નિભાવીને ઊભો છું હું.
કિનારે શાંત બેઠો છું અરથ એનો જુદો છે દોસ્ત,
બધી આંધી બધાં તોફાન ઝુકાવીને ઊભો છું હું.
ખુદા તકદીરના નામે મદદ ના જોઈએ તારી,
હથેળીની બધી રેખા મિટાવીને ઊભો છું હું.
બધા રસ્તા હવે આસાન લાગે છે જીવન પથના,
હતાશાના હિમાલયને વટાવીને ઊભો છું હું.
જમાનો ફૂંક મારીને બગાડી શું શકે "સાગર"
દીવાઓ આત્મ બળના ઝગમગાવીને ઊભો છું હું.
રાકેશ સગર, સાગર, વડોદરા