મારી તારી મૈત્રીનું બીજ
આપણે જે વાવ્યું'તું
આજે ઘેઘૂર
ઘટાદાર વૃક્ષ થયુ છે
એ વિરહાગ સામે
યાદ પર્ણની છાયા.દે છે
ને મારી એકલતા
એની શાખેથી ખરતાં
સ્મૃતિના ફૂલનીસુગંધ
માણતા માણતા તારામાં
તન્મય થઇ જાય છે!
તારાનો પાલવ છોડી
આકાશનું નગર છોડી
ચંદ્ર હિજરત કરે છે
બધું જ નજરઅંદાજ કરીને
ત્યારે.....ત્યારે
પંગુ ગગન સિતારિ એને શોધે છે
શોધતા શોધતા થાકે છે
નાકે દમ આવે છે
નથી મળતો...કયાં શોધવો?
ફળફળતો નિઃસાસો નાંખે છે
ત્યારે.....ત્યારે
એની આંખેથી ટપટપ...
ટપ ...ટપ ...ટપ ટપકતાં આંસુ
ઝાકળ બની પથરાય છે
એ શી રીતે ભૂલે?
જડાયેલો યે જે ઉરે!
માળી,
પોતેજ વાવેલ વૃક્ષને
નવી કુંપળ ફૂટેલી જૂવે
ત્યારે...
લોભીને મબલખ ખજાનો મળી આવે
વિખૂટું પડેલ બાવરું બાળક
માને મળી જાય
કોકિલને વસંત
મયૂરને ઘટા
ચાતકને વર્ષા બુંદ
સાધકને ઇશ મળે ને
રૂ એ રૂ હર્ષ વહે
તેમ તુજ પત્ર પામતાં
મને થાય છે પ્રિયે!