અલખતણા ભજન ભણી જવું છે.
શબદ તણા વજન ભણી જવું છે.
કરી કવન કથા કશું મળ્યું ના,
મુકી કથા મનન ભણી જવું છે.
પ્રવાહ હો વિષમ મને ગમે છે,
દિશા લઈ પવન ભણી જવું છે .
રહી રહી કશુંક સાંભરે છે,
હર્યાભર્યા વતન ભણી જવું છે
પછી કશે નહીં મળે વિચારો,
કિતાબના જતન ભણી જવું છે.
સવાલની સતામણી ભલે હો,
જવાબ ના જતન ભણી જવું છે.
અશાંત છે હવા ઇમારતો માં,
લઈ ચરણ ચમન ભણી જવું છે.
નિશાન એક નેમનું ધરીને,
અલખ તણા અમન ભણી જવું છે.
વિચાર હો ફક્ત અમન તણા જ્યાં,
અસીમ આ ગગન ભણી જવું છે.