એક મીઠી યાદ
થયું મન એક દિન ડૂબકી મારવાનું,
બાળપણના એ અનંત સમુદ્રમાં.
ખોવાવું છે એવું બાળપણની એ મીઠી યાદ માં,
જે મોજાની જેમ ઉછળતી આવે છે મારી ભીતરમાં.
મળે જો એક ક્ષણ ફરીથી,
તો રમવું છે મા ની એ મધુર ગોદમાં.
ભરવું છે શ્વાસમાં મા ના પ્રેમ ભર્યા વ્હાલને,
જે ભરતી બનીને આવે છે એના પ્રેમરુપી નયન માં.
કરવી છે પા પા પગલી પળ માટે ફરીથી,
પિતાની એ કોમળ આંગળી પકડીને.
પામવી છે સરિતા બનીને પિતાની એ સમુદ્રરુપી લાગણીને,
જે ઘૂઘવાટા કરતી આવે છે મારા હૈયામાં.
ડૂબકી મારી છે મરજીવા બનીને,
બાળપણના એ વિશાળ સમુદ્રમાં.
શોધતી રહી આ સમુદ્રમાં વીરાનાં એ પ્રેમને,
અંતે પ્રેમનું મોતી બનીને મળ્યું એની બહેનને.
- આરવી