નવા_દુઃખો૨_સીઝન૩
ફટાફટ દુઃખો :
____________
કોકે મારા દુઃખો ને આદુવાળી ચા પીવડાવી છે, એટલે આદુ ખાઈ ને મારી પાછળ પડ્યા છે. અે માટે યોગ કરવાનો કંઈ યોગ જ નથી. એટલે મેં નક્કી કર્યું કે હવે થી ઘરે જાતે જ યોગ કરીશ. હઠ યોગ તો મારી માસ્ટરી અને એ સિવાય આખું અઠવાડિયું મને ખૂબ જ ગમતું શવાસન 24 કલાક કર્યે રાખ્યું, પણ દુઃખો માં કોઈ ફેર નથી પડતો.
હવે ડોકટર પાસે જઈ ને જ દવા લઈ આવું. દવાખાને પહોંચી ને મેં ડોકટર ને કહ્યું, મને દુઃખો ની દવા આપો. એમણે પૂછ્યું , શું દુખે છે ? મેં કહ્યું , દુખે છે નહીં, મને દુઃખો છે! વિવિધ પ્રકાર ના..નાના મોટાં, લાંબા ટૂંકા,જૂનાં અને નવા, ધડાધડ અને ધીમા ધીમા.. બધા જ પ્રકારના ના !
અે આશ્ચર્ય થી હેં ? એમ પૂછે છે..લો, આમને આટલામાં સમજ નથી પડતી, કોણે ડોકટર બનાવ્યા ? મેં કૃદ્ધ નજરે એમને કહ્યું કે , નથી ને દવા તો કહી દો. કોઈ મારા દુઃખો દૂર નથી કરતું. હું જાઉં.
તરત એમણે મને કહ્યું , ના ના , બેસો. લાવો હું તપાસું. એમ કરી કાન માં ભૂંગળા ભરાવી મને કહે ઊંડા ઊંડા શ્વાસ લો.. શ્વાસ છોડો..હું તો ભડકી.. અરે , તમે પણ યોગ કરાવવા જ માંગો છો.. એમાં ફેર ના પડ્યો એટલે તો તમારી પાસે આવેલી.
દુનિયાભર ની દાક્તરી નકામી, જો મારા દુઃખો હણી ના શકે તો ! પણ અત્યારે તો ઊભા થઈ ને ભાગી આવ્યા વગર કંઈ આરો નહોતો. દુઃખો પણ ભેગા જ આવ્યા છે.
કાલે કોઈ ઉપાય મળશે, કે હું સનાતન દુઃખી જ રહીશ, એ જાણવા દુઃખી થતાં રહો અને વાંચતા રહો નવા દુઃખો !