બે ગઝલ
(1)વરસાદ પહેલાં.
(2) વરસાદ પછી..
શીર્ષક -તમારે કેમ છે ?
એકલો સૂરજ ઢળે છે સાંજ સૂની છે તમારે કેમ છે!
એકલી સંધ્યા બળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
રોજ સાંજે ગામને પાદર સુધી આવી અને શરમાય છે,
વાદળી પાછી વળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
આશ લઈ કૂંપળ ઉગી'તી ઓઢણી કેરા કિનારે ભાતમાં,
એજ શમણાં પણ છળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
એક કૂંપળ આભને પૂછી રહી છે કે અમારો વાંક શું !
કાળજું ભીતર કળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
ધૂંધળી સઘળી દિશાઓ આભ નાં ઢાંકણ તપ્યાં છે આકરાં,
સીમ આખી ટળવળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
છે ધરા પ્યાસી ને વિહવળ છે હવા પંખી પશુ,
શ્વાસ ભીતર ખળભળે છે સાંજ સૂની છે તમારે કેમ છે !
દાજી 30719
સાંજનો સૂરજ ઢળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
ના હવે સંધ્યા બળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
બાળકન્યાઓ સમી આ વાદળીઓ ગેલ કરતી દોડતી,
આભમાં ટોળે વળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
આશ ઉગી થઇને કૂંપળ ઓઢણી કેરા કિનારે. ભાતમાં,
છેલ શમણાં ઝળહળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
ઓઢણી શરમાય છે મલકાય છે હરખાય છે લહેરાય છે ,
રંગ શમણાં માં ભળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
રોજ સાંજે વાદળીની રાહ જોતી સાંજ ઢળતી રાહમાં,
સાંજની શ્રધ્ધા ફળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
સાત રંગોએ સજાવી છે મહેફિલ વાદળી ના સંગમાં,
આભ ધરતી જ્યાં મળે છે સાંજ રૂડી છે તમારે કેમ છે !
દાજી 31719