કહેવાને એ વરસાદ..કાંઈક કેટલુંય એની જોડે વહાવી જાય, પણ હકીકત તો એ કે કંઈક કેટલુંય વહી ગયેલું એ પાછુંય લઈ આવે. વહી ગયેલો સમય, વહી ગયેલું બાળપણ, વહી ગયેલી મુગ્ધાવસ્થા અને બીજું કેટલુંય.
કેટલીક સારી યાદો..જે એના ઘેરાવાની સાથે જ મનમાં પણ ઘેરાઈ જાય.. કેટલીક કડવી ય ખરી જે એની સાથે આંખો પણ વરસાવી જાય. પણ સાચું કહું..એ મને ગમે બહુ જ. ચાર-પાંચ મહિના ગમે તેટલું એસી ચલાવ્યું હોય પણ એના આગમનનો પહેલો પવન એ ચારેય મહિનાની આર્ટિફિશિયલ ઠંડક ક્યાંય ભુલાવી દે.
નાના હતા ત્યારે વરસાદ અંધારે ત્યારથી જ નકામી નોટ શોધવાનું શરૂ થઈ જાય..એના કાગળિયા ફાડીને હોડી બનાવવા! નાની ગટર, ખાબોચિયામાં તરતી એ હોડી જોતા જે હરખ થતો એ કદાચ અત્યારે ક્રુઝમાં બેસતાંય ના થાય. ક્યાંક માનસિક રીતે એ નાનકડી હોડીમાં પોતાની જાતનેય બેસાડી દેતાં..અને મનમાં થતું બસ આમ જ મારી હોડી તરતી રહે...અવિરત, અનંત સુધી. હા. હજુંય એ સવારી ચાલુ જ છે-અવિરત. પણ એ નાનકડી ગટર, એ ખાબોચિયા, એ નાનકડી નહેર..આ બધું જ વટાવીને તરતાં-તરતાં ક્યારે મોટા દરિયામાં આવી ગયા ખબર જ ના પડી! લાઈફ જેકેટ પહેરીને જ રાખવાનું..ક્યારે જરૂર પડે કહેવાય નહીં, વળી આપણી જોડે તરતી બીજી હોડીઓ જાણે ક્યાંય ખોવાઈ ગઈ..શોધ્યે ય ના જડે. હશે, 'જીવન ચલને કા નામ..' એટલે ચાલતા રહેવાનું..સંસાર સાગરમાં તરતા રહેવાનું.
પણ એક વાત કહું;
મોટા દરિયાની હોડીને છૂટી મૂકી દઈએ..જશે એને જ્યાં જવું હોય ત્યાં. ફરી એક વખત નાની હોડીમાં બેસીને એ નાનકડા ખાબોચિયાથી શરૂઆત કરીએ તો! આપણાં ટબુડિયાઓને જોડે લઈને...એમનેય તરતાં તો શીખવવું જ પડશે ને!
©પાર્મી દેસાઈ