#મારામાં મને મારો બાપ દેખાય છે!#
' તું સમજ્યા વગર સામે બોલેને,ત્યારે મન બહુ દુભાય છે ',
પપ્પા,તમે કહેલી આ વાત,હવે રહ્યે રહ્યે મને સમજાય છે.
હું બાપ બની ગયો પછી, મારામાં મને મારો બાપ દેખાય છે!
' તું ઉતાવળે ભૂલ કરી નાખે છે ને પછી નિરાંતે પસ્તાય છે ',
તમે મને કહેલું આ સત્ય, વરસો પછી દિલમાં પડઘાય છે;
હું બાપ બની ગયો પછી,મારામાં મને મારો બાપ દેખાય છે!
' તમે તમારું જ ઝૂડ્યા કરો છો, તમને ક્યાં કંઈ જ કહેવાય છે?'
મેં તમને કહેલી આ વાત,મારો દીકરો હવે મને કહી જાય છે;
હું બાપ બની ગયો પછી,મારામાં મને મારો બાપ દેખાય છે!
' તમને બહુ દુઃખી કર્યા,એના આંસુઓ આંખમાંથી છલકાય છે
તમારી સામે બળવો કરેલો,એ વાત હજી મનમાં ઘૂમરાય છે;
હું બાપ બની ગયો પછી, મારામાં મને મારો બાપ દેખાય છે!
તમારી જેમ મને પણ મારા દીકરાની બહુ જ ચિંતા થાય છે,
મારો દીકરો કહે છે:' બુલશિટ,તું નકામો આટલો ગભરાય છે;
હું બાપ બની ગયો પછી,મારામાં મને મારો બાપ દેખાય છે!
❤️love you Papa❤️