(....આગળ...)
वाक्पाणिदपायूपस्थानि इति पंचकर्मेन्द्रियाणि ।
વાક્પાણિદપાયૂપસ્થાનિ ઇતિ પંચકર્મેન્દ્રિયાણિ ।
[ભાવાર્થ]
વાક (મુખ), હાથ, પગ, ગુદા અને ઉપસ્થ પાંચ કર્મેન્દ્રિયો છે.
[વ્યાખ્યા]
કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો છે. જેનાથી પાંચ પ્રકારના કર્મો કરવામાં આવે છે. જે હાથથી આપણે આપવા-લેવાનું કામ કરીએ છીએ, તે સ્થૂલ શરીરનો એક ભાગ છે. એમાં હસ્તેન્દ્રિય વાસ કરે છે. હસ્તેન્દ્રિયના કામ કરવા પર સ્થૂલ શરીરનો અંગ કામ કરતો હોય એવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં કર્મ સૂક્ષ્મ શરીરમાં હસ્તેન્દ્રિય દ્વારા થાય છે. હસ્તેન્દ્રિય સૂક્ષ્મ શરીરનો અંગ છે. આ જ રીતે અન્ય ઇન્દ્રિયોને પણ સમજવું જોઇએ.
જ્ઞાનેન્દ્રિયોની જેમ કર્મેન્દ્રિયોના પણ પોતપોતાના દેવતા હોય છે.
वाचो देवता वहिनः । हस्तयोरन्द्रः । पादयोर्विष्णुः ।
पायोर्मृत्युः । उपस्थस्य प्रजापतिः ।
इतिकर्मेन्द्रियदेवताः।
વાચો દેવતા વહિનઃ । હસ્તયોરન્દ્રઃ । પાદયોર્વિષ્ણુઃ ।
પાયોર્મૃત્યુઃ । ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ।
ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ ।
[ભાવાર્થ]
વાણીના દેવતા અગ્નિ, હાથના ઇન્દ્ર, પગના વિષ્ણુ, ગુદાના મૃત્યુ અને ઉપસ્થ ઇન્દ્રિયના દેવતા પ્રજાપતિ છે. આ કર્મેન્દ્રિયોના દેવતા છે.
[વ્યાખ્યા]
અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, યમરાજ અને પ્રજાપતિ દેવતા છે. પ્રકૃતિની વિવિધ શક્તિઓના આ સ્વામી છે. એમના જ એક-એક અંશ આપણા બધામાં કર્મેન્દ્રિયોમાં સ્થિત થઈને કર્મેન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. આ રીતે એક કર્મેન્દ્રિયના ત્રણ સ્તર થયા - સ્થૂલ શરીરનો અંગ, એમાં વાસ કરનાર પ્રાણમયી ઇન્દ્રિય અને એનું નિયંત્રણ કરનાર એના અધિષ્થાતૃ દેવતા. આ ત્રણેયના સંયોગથી કર્મ થાય છે.
પ્રત્યેક કર્મેન્દ્રિયનું પોતાનું ચોક્કસ કામ છે. એનું વર્ણન હવે આપણે જોઇએ.
वाचो विषयः भाषणम् । पाण्योर्विषयः वस्तुग्रहणम् ।
पादयोर्विषयः गमनम् । पायोर्विषयः मलत्यागः ।
उपस्थस्य विषयः आनन्द इति ।
વાચો વિષયઃ ભાષણમ્ । પાણ્યોર્વિષયઃ વસ્તુગ્રહણમ્ ।
પાદયોર્વિષયઃ ગમનમ્ । પાયોર્વિષયઃ મલત્યાગઃ ।
ઉપસ્થસ્ય વિષયઃ આનન્દ ઇતિ ।
[ભાવાર્થ]
વાણીનો વિષય ભાષણ, હાથનો વિષય વસ્તુ ગ્રહણ, પગનો વિષય ચાલવું, ગુદાનો વિષય મળ ત્યાગ અને ઉપસ્થનો વિષય પ્રજનન સુખ છે.
[વ્યાખ્યા]
કર્મેન્દ્રિયાના કર્મ જ એના વિષય છે. વાણી એક કર્મેન્દ્રિય છે, તેના દ્વારા બોલવાનું કામ થાય છે. હાથ બીજી કર્મેન્દ્રિય છે, તેના દ્વારા વસ્તુ પકડવાનું કામ થાય છે. આ પ્રકારે અન્ય ઇન્દ્રિયોના પોત-પોતાના કામ સમજવા.
સૂક્ષ્મ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયા, પાંચ કર્મેન્દ્રિયા, પાંચ પ્રાણ તથા મન અને બુદ્ધિ બતાવવામાં આવ્યા છે. આમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પ્રાણ, મન અને બુદ્ધિનું વર્ણન અહીં નથી કરતા એનું વિવરણ પંચકોશ વિવેકમાં કરવામાં આવશે...