ચાર ગઝલ
(1)
જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે,
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે.
ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે!
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે.
અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં,
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે.
દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો,
હૃદયમાં કોણ છે ‘ગુમાન’, જે દરરોજ જન્મે છે?
– ગિરીશ પોપટ ‘ગુમાન’
(2)
કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.
જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.
ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.
વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.
ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.
જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.
– ગિરીશ પોપટ ‘ગુમાન’
(3)
એક દી' એવોય અવસર આવશે,
તું નવોઢા થઈ કદી ઘર આવશે.
એ નદીને કેદમાં રાખી છે મેં,
શોધવા એને શું સાગર આવશે ?
દાદ તારી જો નહીં આવે અહીં,
તો ગઝલ નો જીવ અધ્ધર આવશે.
દુઃખ હતા જે પણ બધા ચાલ્યા ગયા,
બસ હવે સુખ-સ્વપ્ન સુંદર આવશે.
આવશે મારી ગઝલનું માંગુ લઇ,
કોઈ મોટો રાજકુંવર આવશે.
ચાંદનીનું થઇ જશે ખંડિત 'ગુમાન',
તું મને મળવા જો છત પર આવશે.
- ગિરીશ પોપટ 'ગુમાન'
(4)
કરો છો પ્યાર તો કહેવાની હિંમત હોવી જોઈએ
કાં એ સામેથી કહી દે એવી કિસ્મત હોવી જોઈએ
વધે છે કોઈ પણ હદ વગર દર્દો આમ રોજેરોજ
એ દર્દો પાસે કો જાદુઈ બરકત હોવી જોઈએ
અરે અફવાઓ આવો બેસીને વાતો કરીએ પણ
તમારી વાતોમાં કોઈ હકીકત હોવી જોઈએ
કાં સુખ દુઃખ બેઉ વારાફરતી આવે છે જીવનમહીં
એ બંનેને પરસ્પર કોઈ તો નિસ્બત હોવી જોઈએ
– ગિરીશ પોપટ ‘ગુમાન’