મા શું છે?
ફેવિકોલ?
તૂટેલાં સપનાંઓ, ફાટી ગયેલી ઇચ્છાઓ
હાથમાંથી સરી રહેલા સમયને
ફરી આંગળીનાં ટેરવા પર ચોંટાડી આપે એ?
મા પર્વત છે કે પથ્થર?
મા અફાટ દરિયા જેવી છે કે નદી જેવી?
મા રસ્તો છે કે રસ્તો બતાવતો નકશો છે?
મા વડલો છે કે વડલાની નીચે પથરાયેલો છાંયો છે?
મા શું છે?
એક હાથમાં ત્રાજવું લઇ-એનાં બેઉ પલ્લાંને સમતોલ
રાખવાની કોશિશ કરતી દેવી છે?
કે હાથમાં ત્રિશૂળ લઇને ઊભેલી મા કાલી છે?
મા ગાંધીજીનું સત્ય છે કે ગાંધીની અહિંસા છે?
મા મહાવીરની કરૂણા છે કે બુધ્ધનું મૌન છે?
મા કુંતીની મજબૂરી છે કે કૈકેયીનું વચન છે?
દેવકીની કૂખ છે કે યશોદાનો ઉછેર છે?
મા કોઇ કલ્પવૃક્ષ છે, પારસમણિ છે કે અક્ષયપાત્ર છે?
છત છે, અછત છે કે બચત છે?
મા કંઇ નથી
બસ, મા એ મા જ છે !!
-Esha Dadawala