ગઝલ / પંપાળવાનું
ક્યાં સુધી ભોળા હ્રદયને બાળવાનું ?
કો'ક દી શીખો હવે સંભાળવાનું !
આંખના ઊંડાણથી ધસમસતું આવે,
પાંપણે આવ્યા પછી એ ખાળવાનું !
હાથ તો દીધા ફક્ત બે સાવ કોમળ,
ને હજારો જંગે જીવન ગાળવાનું !
સાતમા પાતાળમાં દાટી દીધું છે,
એક સપનું ક્યાં સુધી પંપાળવાનું ?
લે હવે આ દર્દ'ને ફાવી ગયું છે,
શબ્દમાંથી રોજ ગઝલો ચાળવાનું !
પરબતકુમાર નાયી દર્દ