હરેક ઈચ્છા ત્યાગી એના ચરણ ધરું તો ચાલે ને.!
શબ્દોનો હું અર્થ કેવળ "કૃષ્ણ" કરું તો ચાલે ને.!
કસકસાવી ડાળખીને ક્યાં સુધી હું જાલી રાખું?
બળથી ના બસ હું જ, આપોઆપ ખરું તો ચાલે ને.!
ક્રોધરૂપી અગનજાળથી પીગળ્યો છું જો આજે હું,
થવા સાકાર આ બિબામાં આ ક્ષણ ઠરું તો ચાલે ને.!
એમ તાકાત ક્યાં છે કોઈની કે આવી મુજને ડરાવે,
બસ ખરાબ કર્મોથી મારા હું આજ ડરું તો ચાલે ને.!
આવડત ક્યાં છે તરવાની, વળી સામો આ ભવસાગર,
પણ રામનામની હોડી લઈ સાગર તરું તો ચાલે ને.!
ક્યાં સુધી હું રાહ જોઉ હરિ! દુઃખડા મારા હરવાની?
બેઠો થઈને દુઃખડા મારા હું ખૂદ હરું તો ચાલે ને.!
બોવ થયું આ મોતથી ભાગી ભાગીને જીવવાનું હો,
એના કરતા "રાધે" હું જો રોજ મરું તો ચાલે ને.!
- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ
#આધ્યાત્મ