Gujarati Quote in Poem by Kaushik Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બા તે બહુ ઉતાવળ કરી નાખી ...

તું ગઈ એને હજુ દસકો જ થયો છે,
હવે લાગે છે કે તે બહુ ઉતાવળ કર નાખી
અહીંથી જવામાં...
બા, હજુ તો કેટલું ય કરવું બાકી હતું...
હજુ તો માટે કેટલી ચોકબાર તને ખવડાવવી હતી
રાત્રે હું મોડો આવું અને ચોકબાર લાવું, તું સૂતી હોય ને ઊઠાડું
અને તું ચોકબાર ખાઈ પાછી સૂઈ જાય
ત્યારે તારા ચહેરા પરનો સંતોષ જોવો હતો.
અને હા, હું મોડો આવું અને 
તું ડેલીએ મારી રાહ જોતી બેઠી હોય
એ દશ્ય મોબાઈલના મેમરીમા સેવ કરી લેવું હતું.
પણ હવે ડેલી નથી, કારણ કે હું હવે મકાનમાં નહિ, 
ફ્લેટમાં રહું છું,એના દરવાજા તો હમેંશા બંધ રહે છે
બા, હજુ તો તને મારી પોતાની ગાડીમાં એકાદ જાત્રા કરાવવી બાકી હતી.
અને રોજ સવારે દેરાસર જવા રિક્ષા માટે 
તારે પૈસા માગવા અને મારે દેવા બાકી હતા.
તું બીમાર પડે અને ડોકટર પાસે લઈ જાવ ત્યારે ,
જો જો હી, વધુ પડતાં પૈસા ના લેતા, 
મારા છોકરાને ભારે ના પડે,
એવું ડોકટરને કહેતા સાંભળવાનું ય બાકી હતું. 
અને હું બીમાર પડું, માથું દુખતું હોય

ત્યારે તું દૂધમાં જાયફળ ઘસી માથે લેપ લગાવતી ને

માથું દુખતું મટી જતું એ લેપના કારણે કે તારા હાથની શીતળતા ના કારણે?

 એ કોયડો ઉકેલવો બાકી હતો.
બા તે બહુ ઉતાવળ કરી નાખી..
એમ તો તારી પાસે મારે મેનેજમેન્ટની ટિપ્સ લેવી બાકી હતી
તું એકલા હાથે કઈ રીતે ૫૦ – ૬૦ લોકોની રસોઈ બનાવતી,
ઘરમાં પૈસા ના હોય તો ય બધું બરાબર કઈ રીતે 
ચાલે એ શીખવાનું બાકી હતું.
હું આજે પાંચમા પૂછાવ છું, એ માટે તને રાજી થતા
ને બીજા પાસે મારા વખાણ કરતી સાંભળવાનું હજુ બાકી હતું.
તારે દીકરી નહોતી, પણ મારે છે એને તારા હાથે પરણાવવી 
બાકી હતી...

અને વહુને દીકરી કેમ બનાવાય

એ તારી 'કળા' બીજી સાસુઓને બતાવવી હતી 
હજુ તો તારા હાથના વધેલા નખ મારે કાપવા હતા,
અને એ વેળા નેઇલ કટર આંગળીમાં વાગે , લોહીનો 
ટસિયો ફૂટે તો એના પર હળદર લગાવવી બાકી હતી.
બા તે બહુ ઉતાવળ કરી નાખી...


અને હા, હું તને બહુ વ્હાલ કરતો હતો એ વાત 
જાહેરમાં કરવી હતી, 
બધા સામે આઈ લવ યુ કહેવાનું બાકી હતું.
તને એક મોબાઈલ લઈ દેવો હતો,
અને એમાં તું ગુજરાતી ગીતો કે ફિલ્મ 
મોબાઈલ ડેટા ઓન કરી કેમ 
જોવાય એ શીખવવું બાકી હતું.
બા તે બહુ ઉતાવળ કરી નાખી...
તું તો નથી, ડ્રોઈંગ રૂમમાં તારા ફોટો છે,
એ જોયા કરું છું, અને આંખમાં આવતા 
આંસુઓને પાછા ધકેલું છું,
તારી પાસે ખુલ્લા મને રડી લેવું 
કેમ એ સમજવું બાકી હતું.
હજુ કેટકેટલું કરવું બાકી રહી ગયું..
બા તે અહીંથી જવામાં 
બહુ ઉતાવળ કરી નાખી
બા, ઇટસ નોટ ફેર બા...

Gujarati Poem by Kaushik Mehta : 111159468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now