❛અશ્રુની ભાષા કદી વંચાય શું ?
સુખનું કે દુ:ખનું કદી પરખાય શું ?
આંખમાં ઢાંક્યું કશું ઢંકાય ના,
લાગણી રોકી કદી રોકાય શું ?
હોય કે ના હોય એ; પણ હો તડપ,
આ હ્રદયને પ્રેમનો પર્યાય શું !
આભમાં ઊંચે ભલેને એ ઊડે,
એક રજથી સૂર્ય લગ પ્હોંચાય શું ?
સ્વપ્ન તૂટ્યાનો કદી ના શોર થ્યો,
દિલ તૂટે તો ચીસ પણ નંખાય શું !
સુખ વધે છે વ્હેંચવાથી સાચુ છે,
દુ:ખ બજારે કોઈ દી વેચાય શું ?
હોય મુંઝારો છતાં જીવે બધા,
જીવવાનુ એટલે છોડાય શું ?❜