#kavyotsav
ક્યારેક કશુંક એવુંય થાય છે..!
- જૈમીન ધામેચા
શબ્દો ઊછળતા રહે છે
સમંદરના મોજાંની માફક
ને હોઠ પર આવીને
એ સા..વ શાંત થઈ જાય છે !
ક્યારેક કશુંક એવુંય થાય છે !
અંદર ને અંદર,
અજાણ્યું ડૂસકું
મથ્યા કરે છે -રૂંધાયા કરે છે ને
કોઈ ડાહ્યા બાળકની જેમ
દિમાગ બેસી જાય છે ખૂણામાં,
મોં પર આંગળી - અદબ વાળીને !
ક્યારેક કશુંક એવુંય થાય છે !
અસંખ્ય વિચારો
કાબિલ સૈનિકોના લશ્કરની જેમ
આવે છે ચડાઈ કરવા ને
કશું સમજાય એ પહેલાં જ
છૂમંતર થઈ જાય છે - કોરી પાટી જ
સમજી લો જાણે !
ક્યારેક કશુંક એવુંય થાય છે !
પીડા છે ? દર્દ છે ? ઘૂટન છે ?
જવાબો વગરના
રંગબેરંગી બલ્બ જેવાં સવાલો
ઝબકયાં જ કરે છે સતત
ને ભીતર
ભીનાશ જેવું કંઈક ધબકયાં કરે છે,
ક્યારેક કશુંક એવુંય થાય છે !