લાગણીથી ભરપૂર ઉર મારું અર્પણ કરું પ્રભુ તુજને.
ભાવ ભરપૂરથી એને સંવારું અર્પણ કરું પ્રભુ તુજને.
નયન મારાં ચહે નીરખવા નટવર નંદકુંવર તમને સદા,
તારા વિયોગે એમાં અશ્રુ ભરું અર્પણ કરું પ્રભુ તુજને.
અંતર મારું છે આચ્છાદિત હરપળ હરિવરને ઝંખે,
નિર્મળ મન તુજ સંમુખ ધરું અર્પણ કરું પ્રભુ તુજને.
આપે પ્રતિદિન આયુષમાં કરીને એક દિનનો ઉમેરો,
સત્કાર્યોથી એને શણગારું અર્પણ કરું પ્રભુ તુજને.
છે બધું આ તારું હરિવર હું તને કોણ આપનારો?
તારાં સ્મરણે હું જીવું કે મરું અર્પણ કરું પ્રભુ તુજને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '