જ્યાં ગણતરી થાય નહિ,
વાત ત્યાં મંડાય નહિ.
હોય અજવાળાનો ભય,
તો નયન ખોલાય નહિ.
સાવ એક પીંછા થકી,
મોરને પીંખાય નહિ.
દિલમાં લાગે લાય, તો!
ફૂંકથી ઓલાય નહિ.
આંગળી જાલ્યા પછી;
કોણ છે? જોવાય નહિ.
મૌન જ્યા મસ્તીમાં હોય,
ત્યાં જઈ પડઘાય નહિ.
એક સહારો જોઇએ,
એકલાં જીવાય નહિ.
ટોકરી બાંધો હવે,
રેઢું મન મૂકાય નહિ.
કોણ સમજાવે તને,
આટલું મહેકાય નહિ.
અજ્ઞાત