#MoralStories
ધનીક ભિખારી
શહેરથી દુર આવેલુ પ્રખ્યાત મહેદેવનું મંદિર. તહેવાર ના હોય એવા દિવસે ભીડ બહુ ઓછી રહેતી પણ આજે શિવરાત્રીનો તહેવાર હોવાથી ભીડ વધારે હતી, મંદિર મહાદેવના ભકતોથી ઉભરાઈ રહ્યું હતું, માનવ મહેરામણની તો ભીડ હતી જ સાથે સાથે મંદીરની બહાર એમના ચંપલ-જૂતાની પણ ભીડ જામી હતી, ત્યાંથી થોડેક જ દુર ભિખારીઓની પણ ભીડ જામી હતી, મંદિરની અંદર અને બહાર જતા દરેક વ્યક્તિ પાસે ભીખની આજીજીથી એમની સામે જોતા, કોઈ આપી જતું તો કોઈ આપ્યા વગર, તો કોઈ સામે જોવાની તસ્દી પણ નહોતું લેતું.
મંદિરની બહાર આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યાજ મંદિર ના પ્રાંગણમાં એક સફેદ રંગની બીએમડબલ્યુ કાર આવીને ઉભી રહી, એ કારમાંથી એક જાજરમાન વ્યક્તિ બહાર નીકળી, એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ શહેરના સુપ્રસિદ્ધ ધનવાન કિશનલાલ હતા, એમને જોતા જ ભિખારીઓનું એક ટોળું એમને ઘેરી વળ્યું, “ સાહેબ કંઇક આપો ભોલેનાથ તમને અને તમારા પરિવારને સુખી રાખે, એ સાહેબ આપોને, સાહેબ એ સાહેબ ” કિશનલાલ ગુસ્સાભરી આખે એમને જોવા લાગ્યા અને ગુસ્સામાં બોલ્યા “ આટલી યુવાન અને તંદુરસ્ત અવસ્થામાં ભીખ માગો છો શરમ નથી આવતી, ભગવાને હાથ પગ સલામત રાખ્યા છે તો કામ ધંધો કરોને, મહેનત કરો, આમ શું ભીખ માગીને મફતનું ખાવાની ટેવ પડી છે, પૈસા વાળો વ્યક્તિ જોયો નથી કે ભીખ માગવા નીકળી પડો છો, ચલો બાજુમાં હટો ” એ ભિખારીઓના ટોળા સામે એક તિરસ્કાર ભરી નજર કરીને કિશનલાલ મંદિરમાં જતા રહ્યા.
શિવલિંગ પર દુધાભીષેક કરી બીલીપત્ર ચડાવ્યા પછી બે હાથ જોડી કિશનલાલ મનોમન બોલ્યા, “હે ભોલેનાથ, હે મહાદેવ, આવતી શિવરાત્રીએ હું ચાલતો તારા દર્શને આવીશ, બસ મારું ૨૦૦ કરોડનું ટેન્ડર પાસ કરાવી દેજે”