અડવા હાથ #MoralStories
“અરે બાઈ, શું વાત કરું એની? સાવ બેશરમ છે. વર ગુજરી ગયો તોય ફુલ્લ ફટ્ટાક થઈને ફરે છે, બોલો! આખો દિવસ પઇડી રે છે હોસ્પિટલમાં… જાણે નવી નવાઈ ના સાસુ ને દાખલ ના કર્યા હોય? આવું તે ભાળ્યુ છે ક્યાય? ને પાછો તોર તો કેવો… ખબર પૂછવા જઈએ ત્યારે ખાલી ‘કેમ છો?’ એટલું પૂછીએ ત્યાં તો રવાના જ કરી દે. બીજી કોઈ વાત જ ન કરવા દે… ના ના.. હું એમ કઉં, જુવાનજોધ દિકરો પાછો થયો તો આપણે ખરખરો તો કરવો કે નહીં? ”
ગંગા ડોશી નો બળાપો સમાતો નહોતો. પરંતુ સીમા કશું ગણકારતી નહી. આવું તો કેટકેટલુંય તેને સાંભળવું પડતું. જેટલા મોઢા એટલી વાતો… પણ તે બરાબર જાણતી હતી, જે તે કરતી હતી.
આમ ને આમ થોડો સમય પસાર થઈ ગયો. તે રોજ લાલ લીલી બંગડીનો ચુડલો પહેરી હોસ્પિટલમાં જતી અને તેના સાસુ ને રોજ ધીરજ બંધાવતી કે એમના દિકરા એમને મળવા જરૂર આવશે.
બહુ કપરું હતું હસતા મોઢે આ શબ્દો બોલવાનું. હાર્ટ પેશન્ટ એવા સાસુ ને હોસ્પિટલમાં દાખલ કર્યા, એના બીજા જ દિવસે એમના જુવાનજોધ દિકરાને એટેક આવી ગયો….
કોઈ કંઈ સમજે તે પહેલા તો ખેલ ખલાસ!
ના, ખેલ તો હવે શરૂ થયો હતો. બીમાર સાસુ ની બાકી ની જિંદગી શાતા સાથે પૂર્ણ થાય એવી ચેલેન્જ પોતાની જ જાતને આપી દીધી. અને પછી, રોજની જેમ જ તૈયાર થઈ તે હોસ્પિટલમાં સાસુ પાસે જતી. એમની છેલ્લી ક્ષણો આનંદ મા વિતે એવો ભરપૂર પ્રયાસ કરતી.
પણ આજે…. આંસુ આડે બાંધેલી પાળ તૂટી ગઈ. આજે સાસુજીના છેલ્લા શ્વાસ સમેટાઇ ગયા… અને તેણે મરણપોક મૂકી… એકસાથે બે ની….
ગંગાડોશી પણ જોઈ રહ્યા. વર ના મૃત્યુ પછી પણ ફુલ ફટાક રહેનાર સીમાના હાથ સાસુ ના અવસાન પછી અડવા હતા….
અમિષા શાહ _અમી.