#માંડ મળી મને એક ચકલી
વસંત આવ્યો અગાઉના વર્ષોની જેમ
આ વર્ષે પણ,
હું ચીં ચીં અવાજના શ્રવણની પ્યાસમાં છું.
નજર દોડવું છું..કાન લંબાવું છું,
પણ લીલાછમ બાગમાં કથ્થઈ રંગની ઉણપ વર્તાય છે,
મને મારી ચકી નથી દેખાતી..!!
વિચાર્યું કે શું, મારી નાનકી ચકી મારે ઘેર આવશે?
એની નાની અમથી ચાંચથી, ઉષ્મય માળો ગૂંથશે?
મને લાગે છે કે એ નહિ આવે,
કદાચ એ રિસાઈ છે..
મને કહી રહી છે કે તેં મને વ્હાલ નથી કર્યું..
તેં તો માત્ર પથ્થર પાળ્યા છે,
ને તને એમાં જ ઈશ્વર દેખાય છે.
ને મને થયું કે શું, રાજાજીનો કાળીયો કૂતરો કેસ જીતી ગયો?
મારી ચકી કદી આવું તો ના બોલે!!!
ચકી આખરે, ક્યાંક એક સૂકી જૂઈ વેલના છેડે મુજને જડી,
મારા પીંછા સમ રેશમી સ્પર્શના પ્રયાસે પણ જરાક ફફડી.
મેં ચકીને ખુબ વહાલે આગ્રહ કર્યો કે તું આવને, તો મને કહે
શું તું ખાઈશ મારા સમ?
મેં કીધું કે ચોક્કસ, અને હું લાવીશ, ચોખા-દાળના દાણા પણ,
તું આવને, હવે તો તને મારા સમ.
ચકીની આંખે બાઝ્યું એક ઝીણુંશું ટીપું,
અને બોલી
પણ મારાં બચ્ચાં ને તારી દીકરીનું શું?
બસ આટલી જ અમથી વાત થઇ અને ત્યાં તો,
હુંફાળા નાતાની એક નવી શરૂઆતના ચીં ચીં કરારનો
માનવંતો સાક્ષી,
પેલો લુચ્ચો કાગડો કેમ અમથો ડાળથી એમજ ઉડી ગયો..!!
-ભાર્ગવ જાની
18/02/2019