હવે આ અસીમ ઉદાસીને હરદમ સાથે રાખવાની છે;
ને બેસ્વાદ એકલતાને અમૃતની જેમ ચાખવાની છે.
તારા વિના જિંદગી કેવી હશે કોને ખબર કે તને કહું;
થોડા શ્વાસ લઈ ઉચ્છવાસ છોડી વેડફી નાખવાની છે.
એક પલ્લામાં આંસુ, એક પલ્લામાં થોડી મુસ્કુરાહટ;
એ બે ચીજ મારે તો એક જ ત્રાજવામાં જોખવાની છે.
દિવસ તો જેમ તેમ વીતી જાય સનમ તારી યાદમાં;
રાત હવે મારે તારા સુહાના સપનાથી પોંખવાની છે.
તારી ગલીને ઈદગાહ સમજી હર નમાજ અદા કરી છે;
બસ, હવે ઈશ્વરે મારી સારી તકદીર ભાખવાની છે.
આ લખવાનું ક્યારે પૂરું થશે નટવર એ કેવી રીતે કહે;
હજુ તો કેટલી ય વેદના આ શબ્દોમાં આલેખવાની છે.