પપ્પા તો ઠંડા છે!
"એં... એં... એં... મારુ ઈજરી (ઇરેઝર)ખોવાઈ ગયું... "
"જોને બેટા, ત્યાં જ હશે. "
"મેં બધ્ધે જ જોયુ... નથ્થી..."
"સારુ, બીજુ લઈ લે. પણ હોમવર્ક કરવા માંડ. "
"સુનોના સંગેમરમર કી યે મિનારે... " માંડ નાનકીને હોમવર્ક કરવા મનાવી, ત્યાં મોબાઇલ રણકી ઉઠયો. તેણે ઘડિયાળ સામે જોયું. રસોઈ ને મોડું થતું હતું. તેણે ઉતાવળે હાથ ધોઈ કોલ રિસીવ કરયો. સામે છેડે નાનકીના પપ્પા હતા... એકદમ ગુસ્સામાં... ચૂપચાપ બધું સાંભળી, છેલ્લે હા એ હા કરી ફોન મૂક્યો. ત્યા ફરી નાનકીનો કજીયો ચાલુ થયો.
"એં.. એં.. એં... મારી પેન્સિલ તૂટી આવી. "
"લાવ બકા, શાર્પન કરી આપુ. "
પેન્સિલ અને શાર્પનર હાથમાં લઈને તેણે બબડવાનુ ચાલુ કર્યું... "બધા હોમવર્ક ન કરવાના બહાના છે. આવડી એવી અંગૂઠા જેવડી છોકરી... ને અત્યાર થી હોમવર્ક કરવામાં જોર પડે છે. આગળ જઈ ને શું કરશે કોને ખબર? "
એનુ બબડવાનુ અને નાનકીનુ રડવાનુ બંને સાથે ચાલુ હતા. પેન્સિલ ની અણી નીકળી ગઈ એટલે નાનકીને પાછું સમજાવવાનુ ચાલુ કર્યું.
"જો બકા, હવે એકદમ શાંતિ... હં ને... પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલરેડી ગરમ થઈ ને આવશે એટલે તુ કજીયો બંધ કરી દે. થોડી શાંતિ રાખ. મને ફટાફટ ભાખરી બનાવી લેવા દે... "
જાણેકે જાદુઈ અસર થઈ આ શબ્દો ની. નાનકીનો કજીયો એકદમ બંધ થઈ ગયો. તેણે ફટાફટ પોતાનુ હોમવર્ક પૂરૂ કરી બેગ પણ પેક કરીને ઠેકાણે મૂકી દીધુ. વગર કીધે રમકડાનો ઢગલો પણ ઉપાડી લીધો. સોફા પર કુશન બરાબર ગોઠવી દીધા.
અનિકેત ઘરે આવ્યો. હજી પણ મગજ પર ગુસ્સો સવાર હતો, પણ દરવાજા માંજ નાનકીનુ હસતુ મોઢું જોયું અને અડધો ગુસ્સો ઓગળી ગયો. એક નાનકડું સ્મિત આપી તે ઘરમાં અંદર આવ્યો. સામે હાથમાં પાણી ના પ્યાલા સાથે ઉભેલી જાનકી ને જોઈને બાકીનો અડધો ગુસ્સો પણ ઊડી ગયો .ફ્રેશ થઈ જમવા બેઠો. ઓફિસ મા બનેલી ઘટના વિશે વાત કરતા કરતા જમવાનું શરૂ કર્યું. જાનકી વચ્ચે વચ્ચે હોંકારો આપતી, પણ નાનકી...
નાનકીએ એક સરખું પૂછવાનુ ચાલુ કર્યું,
"પપ્પા તમને શું થયું?"
ત્રણ ચાર વખત પૂછવા છતાં અનિકેત તરફથી સરખો જવાબ ન મળ્યો, એટલે નાનકી એના ખોળામાં ગોઠવાઈ ગઈ અને હળવેથી અનિકેત ના ગળા પર પોતાની નાનકડી હથેળી અડકાડીને પાછી તરત ઉભી થઈ ગઈ. અનિકેત ની સામે, પિરસવા બેઠેલી જાનકી ના ખોળામાં લપાઇને તેના કાનમા બોલી,
"પણ મમ્મી, પપ્પા તો ઠંડા છે!"