ગીત: પતંગ તારા દોરા....
સુખ ના ચણ શોધવા નીકળ્યું હું દુર
કેમ પાંખે આ કરવત મંડાણી,
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?
શેનું છે વ્હેર, મારે જાવાનું ઘેર, બધાં
અંગત સૌ રાહ જોવે મારી,
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?
આપણે તો ઉડવાનું એક જ આકાશ,
તોય કેમ મુજને સતાવે?
અમે તો ઉડીએ જ્યાં ઈચ્છા અમારી,
તને કો'ક દિશા બતાવે,
કુડા ઓ કનકવા તારે એકદી છે ઉડવુ,
તો મનડે મુરાદ કાં નઠારી?
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?....
તારે તો દેહ નહીં, શ્વાસ નહીં એટલે,
બીજા જ્યાં ઈચ્છે ઉડવાનું,
મારો તો શ્વાસ ઓલો શામળિયો સાચવે,
તોય મારે તુજ થી ડરવાનું,
માનું છું શામળિયો સાચવશે સૌને,
પણ એમાં ક્યાં ભૂલ થઈ મારી?
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?....
રાકેશ ગઢવી