કજીયો…
દૂર દૂરથી... જાણે ઊંડી ગુફામાથી અવાજ આવતો હતો...
એં.. એં.. એં... મને લેઇનકોત પેલવો છે... મમ્મી... મને લેઇનકોત પેલવો છે.... ઓ મમ્મી.... એં... એં.. એં...
એક નાનકડું શરીર તેના પગ પર આળોટતું હતું. થોડી વારે એ નાનકડું માથું તેના પગ પર પછડાયું. એક ઉંહકારો નીકળી ગયો. એમાં પાછો આ પગ નો દુઃખાવો!
ઓહ! ક્યારનો કજીયો ચાલુ છે. આ ચોમાસું માથે ચડયું એમાંજ બધી મોકાણ થઈ. નનકું માટે મસ્ત રેઈનકોટ લીધો - કાર્ટુન વાળો-એને ગમતો જ વળી... અને શરૂ થયો કજીયો... કેટલી વાર સમજાવ્યું.... બેટા, બહાર વરસાદ આવે... જે જે દાદા આટલું બધું ભુવા આપે... ત્યારે ટાટું જવાનું હોય... ત્યારે રેઈનકોટ પહેરાય...
પણ મને ઘરમાં લેઇનકોત પેલવો છે... એં... એં... એં...
અરે બાબુ... હમણાં કુશ્શટમા (સ્કુટર મા) ટાટું જશુને...
ના...... મને હમનાંજ પેલવો છે....
હે ભગવાન, કોઇ વાતે સમજવાજ તૈયાર નઇ ને! છેવટે રેઇનકોટ પહેર્યે જ છૂટકો.. અને પછી કેવી ઊંઘ આવી ગઈ! અરેરે... આ ના કજીયામાં તો કામ પણ બાકી રહી ગયું... હવે ઉતાવળ કરવી પડશે. એક તો આ દુઃખાવો.. શરીર ચાલતું નથી અને કામ પતતું નથી...
માંડ માંડ કામ પતાવીને હજુ તો આડી જ પડી. જરાક આંખ મળી ત્યાં ફરી કકળાટ ચાલુ. એટલી વારમાં ઊંઘ ઊડી પણ ગઈ બોલો! માંડ કરીને રેઈનકોટ કાઢ્યો હતો.... કેટલું જાળવીને... જરાય ઊંઘ ન ઉડે એમ... અને જ્યા મારે સૂવાનો ટાઈમ થયો ત્યા ખલ્લાસ... ઊંઘ ઉડી ગઈ... પાછો કજીયો પણ ચાલુ... કેમ સમજાવવું...
એં... એં.. એં... મને લેઇનકોટ..
હવે તો માથામાં પણ સણકા આવવા માંડ્યા... સમજવા જ તૈયાર નથી ને! અચાનક તેના દુખતા હાથોમાં હરકત આવી. એ નાનકડું રડતું શરીર તેના હાથમાં ઉંચકાયું... માથું ધમધમવા માંડ્યું... આખા શરીરમાં લોહી જાણે ચટકા ભરવા માંડ્યું... એક અજાણી કંપારી આખા શરીરમાં ફરી વળી... અંદરથી એક ધક્કો આવ્યો અને એ નાનકડું શરીર સીધું બીજા માળની બારીમાંથી બહાર ફંગોળાયું...
આહ! શું થઈ ગયું? બધું ચક્કર ચક્કર ફરવા માંડ્યું... આંખો સામે અંધારુ છવાઈ ગયું... ક્યાં હતી પોતે? ક્યાં હતું પોતાનું અસ્તિત્વ? તેનું શરીર... તેના શ્વાસ... બધું જ હવામાં ઓગળી ગયું... શૂન્ય... એક મોટું શૂન્ય... બસ, એની આંખો ખૂલી ગઈ..
પરસેવે રેબઝેબ... ધમણની જેમ ચાલતો શ્વાસ... મનમાં ફડકો... બધુંજ શાંત થઈ ગયું. નજર સામે એજ માસૂમ ચહેરો... આંસુ ભરેલી બે આંખો... તેના મુખ પર હળવી મુસ્કાન આવી ગઈ. એક બૂચકારો બોલાવી બંને હાથ લંબાવ્યા અને એ નાનકડું શરીર તેમાં સમાઈ ગયું. તેના ડૂસકાં શમી ગયા. મમ્મી ના પાલવથી આંસુ લૂછાઈ ગયા અને મીઠો અવાજ નાનાં નાનાં કાનમાં ગુંજી ઉઠ્યો... બેટા, દૂધુ પીવું છે?... એ માસુમ ચહેરા પર પણ ખુશી ઝળકી ઉઠી. દૂધના કપમાં કજીયો, ગુસ્સો, અકળામણ બધું જ ઓગળી ગયું. નાનકડું મગજ બીજા વિચારે ચડી ગયું.... ફરી એક નવા કજીયાની તલાશ માં....
---અમિષા શાહ ‘અમી’