રાષ્ટ્રીયઃ રેલવે સ્ટેશનની સુરક્ષા એરપોર્ટની જેમ જ મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી છે. જે માટે મુસાફરોને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા દળોની નજર હેઠળથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરતાં તેઓને ટ્રેન સુધી પહોંચવામાં મોડું ન થાય તે માટે ડિપાર્ચરથી લગભગ 20 મિનિટ પહેલાં સ્ટેશન આવવું પડશે. શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા અલ્હાબાદ અને કર્ણાટકના હુબલી સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે.
રાષ્ટ્રીયઃ સોમવારથી દેશના તમામ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ લેન અનિવાર્ય કરી દેવાશે. તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આવતીકાલથી દેશભરના 800 પેટ્રોલપંપમાં વાહનચાલકોને ફાસ્ટટેગ બારકોડ ઉપલબ્ધ કરાવશે. આ બારકોડ આગામી 6 મહિનામાં દેશભરના 25 હજાર પેટ્રોલપંપો પર ઉપલબ્ધ કરાવી દેવાશે. સાથે જ બે એપ પણ લોન્ચ કરાઇ રહી છે જે ફાસ્ટટેગ માટે મદદરૂપ થશે. તેનાથી ટોલ પ્લાઝા પર વાહનચાલકોનો ઘણો સમય બચશે.
આંતરરાષ્ટ્રીયઃ અફઘાનિસ્તાનમાં બદખશાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં એક સોનાની ખાણ ધસી પડતાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયાં છે. કોહિસ્તાન જિલ્લાના ગર્વનર મોહમ્મદ રૂસ્તમ રાધીએ જણાવ્યું કે દુર્ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ થઈ હતી.
ગુજરાતઃ રાષ્ટ્રીય ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ 17 સમિતિઓની રચના કરી છે. આ સમિતિમાં ગુજરાતના ચાર નેતાઓનો સમાવેશ કર્યો છે. જો કે, મહત્વની કહીં શકાય તેવી એકપણ કમિટીમાં ગુજરાતના નેતાઓનો સમાવેશ કર્યો નથી. પણ, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સામાજિક-સ્વંયસેવી સંગઠન સંપર્કમાં સમાવેશ કર્યો છે. જ્યારે સોશિયલ મીડિયા કમિટીમાં પંકજ શુકલા, લાભાર્થી સંપર્ક કમિટીમાં ભાર્ગવ દવે અને બાઇક રેલીમાં પ્રદીપસિંહ વાઘેલાનો સમાવેશ કર્યો છે.
બોલિવુડઃ 2019મા જે ફિલ્મની સૌથી વધુ પ્રતીક્ષા થઇ રહી છે તે છે એનટીઆરની બાયોપિક. 9 જાન્યુઆરીના રોજ તેનો પહેલો પાર્ટ રિલીઝ થઇ ગયો છે. તે ફિલ્મે રિલીઝ થતા પહેલા જ રૂ. 100 કરોડની કમાણી કરી લીધી છે. નંદમૂરિ બાલકૃષ્ણના ફેનબેઝને કારણે આ ફિલ્મ ઓપિનંગ પર બોક્સઓફિસ પર નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી શકે છે.
ભારતીય વિદ્યાર્થીઓને ફાયદોઃ બ્રેક્ઝિટને કારણે ભંડોળની સમસ્યા સાથે સંકળયેલા બ્રિટનનું વિશ્વવિદ્યાલય વિદેશી વિદ્યાર્થીઓની તરફેણ કરી રહ્યું છે જે સ્થાનિક લોકો કરતા વધુ ફી ભરે છે. તેમાં ભારત અને ચીન સૌથી વધુ આગળ રહેવાની સંભાવના છે. વિશ્વ વિદ્યાલયોના મતાનુસાર તેમની સંખ્યા કેમ્પસમાં બ્રિટીશ વિદ્યાર્થીઓને પાર કરી જશે.
ગુજરાતઃ વર્ષ 2015થી 2018ની વચ્ચે 17 સરહદી રાજ્યોમાં ગુજરાત બનાવટી નોટોની જપ્તીના સંપદર્ભમાં ટોચ પર રહ્યું છે. નોટબંધ બાદ 2017 અને 2018માં ગુજરાતે રૂ. 10.16 કરોડની બનાવટી નોટો જપ્ત કરી હતી જે 2015 અને 2016મા રૂ. 3.96 કરોડ હતી એમ એનસીઆરબીએ લોકસભામાં 1 જાન્યુઆરીએ માહિતી આપી હતી.
માર્કેટઃ ચાલુ સપ્તાહે બજારની નજર કોર્પોરેટ કમાણી, મેક્રોઇકોનોમિક ડેટા, ક્રૂડ અને રૂપિયાની ચાલ પર રહેશે. તે સિવાય બિજિંગમાં અમેરિકા ચાઇના વચ્ચે 7-8 જાન્યુઆરીના રોજ યોજનારી વ્યાપારી વાતચીત પર પણ માર્કેટ પાર્ટિસિપન્ટ્સની નજર રહેશે. વધુમાં આજે વાર્ષિક જીડીપીના ડેટા જાહેર થનાર છે, તેમજ 10 જાન્યુઆરીના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક પર પણ બજાર ખેલાડીઓ ચાંપતી નજર રાખશે.
એપલ-ભારતઃ ચીનમાં હતાશા સાંપડ્યા બાદ હવે એપલ ભારતને ઉત્પાદન અને રિટેલ હબ બનાવવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. આ સંદર્ભે મહિનાના અંતમાં દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એપલના એક્ઝિક્યુટીવ વાણિજ્ય અને વ્યાપાર પ્રધાન સુરેશ પ્રભુ સાથે એક બેઠક યોજનાર છે.