લગ્ન અને છૂટા છેડા
બંને શબ્દો જ બોલતા વેંત ઘણું બધું કહી જાય છે..
લગ્ન બોલતા જાણે કઈ ભેગું કર્યું હોય, ૨ વ્યક્તિ જોડાઈ હોય એવો આભાષ દિલ ને થાય, અને છૂટા છેડા બોલવામાં જાણે કંઈક જુદું પડી રહ્યું હોય... એવું લાગે...
બે વ્યક્તિના સ્નેહ મિલનથી લગ્ન જીવન બંધાય છે, એ સમયની ખુશી, રોમાંચ અનેરો હોય, પણ જ્યારે એજ સંબંધ છૂટા છેડા સુધી પહોંચે એ સમયની ક્ષણો વિપરીત હોય છે. ક્યારેક ક્યારેક ઈશ્વરને આ સમયે ગાળો બોલવાની પણ ઈચ્છા થાય કે આવું જ જો થવાનું હતું તો બે પાત્રોને ભેગા જ કેમ કર્યા ?
સુખી સંસારની અપેક્ષા રાખતા મોટાભાગના લોકોના જીવનમાં છૂટા છેડાની આ ક્ષણ એક કાળા ડાઘ સમાન બનીને આવે છે.. છતાં એ ડાઘ ને લૂછવાનો પ્રયત્ન કરીને આગળ વધવાનું નામ જીવન છે...
કોઈપણ સ્ત્રી હોય કે પુરુષ.. પોતાના જીવન સાથીથી છૂટું ના પડાય એ માટે સતત ચિંતિત હોય છે, પણ ક્યારેક કોઈ એક પક્ષ આ વિષે અલગ વિચાર ધરાવતું હોય અને ત્યારે જીવન ડામાડોળ ભરેલું બની જાય છે.
છૂટા છેડામાં પતિ કે પત્ની પોતાનું જીવન ફરી તો શરુ કરી શકે પણ જો ખરેખર પીડાતું હોય તો તે એમનું બાળક છે.. બંને પક્ષ લડે ઝઘડે, કોર્ટ કચેરી માં જાય, છૂટા પડે પણ બાળક શું કરી શકે ? તેના પર અધિકાર તો માત્ર કોઈ એકનો જ રહેવાનો, ખરી માતા અને ખરા પિતા સમાન પ્રેમ અમને કદાચ ના પણ મળી શકે, પુરુષ ને બીજી પત્ની મળી જાય અને સ્ત્રી ને બીજો પતિ પણ મળી જાય, પણ ખરેખર બાળક ને બીજા માં બાપ મળે ખરા ? બાળક બિચારું કઈ બોલી ના શકે કે એને કોની પાસે રહેવું ? માનું હેત એને એક તરફ ખેંચી રહ્યું હોય તો બીજી તરફ પિતાનો વહાલ એને પોકારે છે, છતાં સમાજ કોર્ટ અને કેટલાક આગેવાનો ના કહ્યા અનુસાર એનું જીવન એક પક્ષ ને સોંપી દેવાય છે... ખરેખર બાળક એ સમયે ખુબ પીસાય છે.. પણ એનું સાંભળે કોણ ?.. એ સમયે પતિ કે પત્ની ને એ બાળકનો વિચાર નથી આવતો.. બંને જણ પોતાના અહમ ને ખાતર બાળકના પ્રેમની બલી ચઢાવે છે... મોટાભાગના ના પ્રસંગોમાં આવું બનતું જોવા મળે છે.. પણ ખરેખર જો બંને પક્ષ સાથે મળી અને આ બાબત નો વિચાર કરે તો કદાચ સમાધાન થવું શક્ય પણ બને છે... પરંતુ લગ્ન બાદ વિખુટા પડ્યા પછી બંને જણ વચ્ચે એવડી મોટી ગેપ બની ગઈ હોય છે કે આ સમયે કોઈ નીચું મુકવા તૈયાર નથી થતું... બંને ને પછી છૂટા પાડવામાં જ જાણે મઝા લાગતી હોય છે, પણ છૂટા પડ્યા બાદ ગમે તે એક પક્ષ તો દુઃખી થાય છે જ..એ વાત ચોક્ક્સ છે... એ પક્ષે જે ગુમાવ્યું છે તેનું દુઃખ કદાચ સામેનો પક્ષ નથી સમજી શકતો અને સમય આવે એ પણ દુઃખી થાય છે..
આ વિષય પર જો લખવા જઇયે તો ઘણું બધું લખાય એમ છે.. દરેક ની વિચાર સરણી અલગ અલગ છે.. આપ પણ આ વિષય પર આપનો અભિપ્રાય આપી શકો છો...