*સ્કૂલ યુનિફોર્મ*
મમ્મી, તને એક વાત કહું. હું આજે ખોટું બોલ્યો, ફરીથી. સ્કૂલમાં બુધવારે છોકરાઓ રંગીન કપડાં પહેરીને આવે છે અને હું જ એકલો યુનિફોર્મ પહેરીને જાઉં છું. મને કલાસ ટીચરે ખખડાવ્યો અને કહ્યું કે તું કેમ બુધવારે યુનિફોર્મ પહેરીને આવે છે. મેં કીધું, સાહેબ! સવારે સ્કૂલ આવવાની જલ્દી હોય છે ને એટલે ભૂલી જાઉં છું. અને આજે ચોથી વખત પણ આવું જ બન્યું. હું દર વખતે નવું બહાનું કાઢું છું અને કલાસ ટીચર દર બુધવારે ખખડાવે છે.
મમ્મી તું અપાયને મને રંગીન કપડાં... આ તારો કનૈયો તો તારી બાજુમાં જ બેસતો હશે ને! એમને કહેજે, એ શોધી આપશે દુકાન. પપ્પાએ કીધું હતું કે, તું કનૈયા પાસે ગઈ છે એટલે તને વાર લાગશે આવતાં. પણ મને એમાં વાંધો નથી. બસ આવે ત્યારે એક જોડી રંગીન પેન્ટ શર્ટ લાવજે, લાલ શર્ટ અને બ્લુ પેન્ટ. જિન્સ મળે તો સારું નહીં તો ચાલે, શોધવા બહુ દૂર જતી નહીં, જલ્દી આવજે.
તારો છોટું કનૈયો ગોપાલ...!