ધૂંધળા અક્ષરો...!
સાહેબ બોર્ડ પર લખી રહ્યા હતા. મને એ અક્ષરો આજે પહેલી વખત ધૂંધળા લાગ્યા. મેં આંખો ચોળીને ફરી જોયું, તો પણ એવું જ દેખાતું હતું. જીણી આંખો કરીને જોયું તો પણ બોર્ડ પરના અક્ષરો મને હાથ તાળી આપી રહ્યાં હતા. પાંચમાં ધોરણ સુધી તો બધું ઠીકઠાક હતું, હવે શું થયું ? તે મને સમજાયું નહી.
સાહેબે લેખન પૂર્ણ કરીને અમારી તરફ આવતા જણાયા.. મારી પાસે આવીને પૂછ્યું : “તમે નોંધ કેમ નથી કરતા ? પેન નથી કે શું ?” મેં મારી મુંજવણ સાથે કહ્યું “પહેલાં તો મને અહીંથી બોર્ડ પરનું લખેલું દેખાતું હતું. આજે બરાબર વાંચી શકતો નથી.”
એ દિવસથી સાહેબે મને પહેલી હરોળમાં બેસાડ્યો. અને કહ્યું “હવેથી રોજ તું અહીં જ બેસજે..”
રિશેષમાં સાહેબે બૂમ મારીને કહ્યું કે “એ..ય... રાજુ...ચાલ બેસીજા મારી પાછળ..!” સાહેબ મને ચશ્માવાળાની દુકાને લઇ ગયા. ત્યાંથી મારા નંબરના ચશ્માં મને ખરીદીને આપ્યા.
નિશાળે આવીને સાહેબે કહ્યું: “હવેથી આ રોજ પહેરજે, બોર્ડ પરનું તને બધું ચોખ્ખું દેખાશે.”
હું ચશ્માં પહેરીને વર્ગમાં ગયો અને સાહેબ બીજા વર્ગમાં ગયા. થોડી જ વારમાં હું ચશ્માં લઈને સાહેબ પાસે ગયો. અને રડમસ ચહેરે કહ્યું “મારે આ ચશ્માં નથી પહેરવા. બધાં મને વર્ગમાં ખીજવે છે. ‘ડબલ બેટરી શિંગલ પાવર..’ આ ચશ્માં હવે તમે જ રાખો.” આટલું કહીને મેં ચશ્માં ટેબલ પર મુક્યા.
મારી સામે જોઈને સાહેબ હળવું એવું મલક્યા, પછી મને સાથે લઈને અમારા વર્ગમાં આવ્યા. અને કહ્યું: “જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આપણા જ પરિવારના સભ્ય રાજુને ‘ડબલ બેટરી શિંગલ પાવર’ કહી જે સન્માન આપો છો, તો એવું સન્માન મને પણ આપવું પડશે. કારણ કે, ચશ્માં તો હું પણ પહેરું છું ને..!”
અને ફરીથી આખાય વર્ગની સામે, સાહેબે મને ચશ્મા સાફ કરીને મને પહેરાવ્યા. વર્ગના દરેક બાળકોની તાળીઓની ગુંજે મારા ઘાવ પર મલમપટ્ટી કરી આપી. મેં રાજી રાજી ચશ્માં અને સાહેબના સ્નેહને આવકારી લીધો.. હવે મને કોઈ ડબલ બેટરી શિંગલ પાવર કહે છે તો પણ મને ગમે છે. મને મળેલું એ સન્માન સાહેબને રિશેષમાં કહું છું. પછી અમે બંને હસીએ છીએ..
આજે.. આટલાં વર્ષો પછી પણ અમારા ફેવરીટ સાહેબ સાંભરી આવે છે.
એ સમયે મારા ખિસ્સામાં એક પણ રૂપિયો નહોતો, કે મારા ઘરે થી ચશ્માં માટેના રૂપિયા મળવાની આશા...
“અમારા એ સાહેબના નિ:સ્વાર્થ સ્નેહનું બિલ આજે હું ક્યાં ચૂકવું” ????
લેખન: નરેન્દ્ર જોષી.