સોનેરી દિવસોની સ્મરણયાત્રા - ૨
પેટી.
કદાચ આ શબ્દ હવે વિદ્યાર્થીઓ અને શાળામાંથી લુપ્ત થતો જાય છે.કોઈને ખ્યાલ પણ નહીં હોય કે એક સમયે પેટી વિદ્યાર્થીઓ પણ ઉપયોગમાં લેતા. એ દિવસો ગયા હવે.
મને શરુવાતના સમયમાં તો નહિ પણ છઠ્ઠા ધોરણ પછી પેટીની આકર્ષણ થયેલું અને ઈચ્છા પણ થઈ કે એક પેટી હોય તો મજા પડી જાય. એવું ના હતું કે દફતર ના હતા પણ આ પેટી તો કંઈક અલગ જ આકર્ષણ ધરાવતી. એલ્યુમિનિયમમાંથી બનેલી સફેદ ચકચકિત,ક્યાંય પણ કઈ ડાઘા નહીં. ચાંદની રાતે સફેદ રણ દેખાય તેવી લાગે. હેન્ડલ પણ તેવું જ. બધા પુસ્તકો નોટબુક મૂકી પાછું તાળું મારી દેવાનું. કેમ કે જાણે અમૂલ્ય ખજાનો સમાયો હોય. સાઈકલની પાછલી કેરિયરમાં મૂકી ને એય સાઈકલ મારી મુકવાની. દફતરની જેમ ખંભે રાખવાની જંજટ જ નહીં.તેમાંય વરસાદના સમયમાં તો ભાઈ મોજ એ મોજ એ કંઈ પલળે જ નહીં. જોકે તેના માટે પેટી બધી બાજુએ થી ચપોચપ બંધ હોવી જોઈએ બાકી સત્યાનાશ થઈ જાય.
મારી પાસે પણ એક સરસ પેટી હતી. ખૂબ સાચવીને વાપરતો. કોઈ ડૉક્ટર કે મોટા અધિકારી જેમ તેની એટેચીને લઈ ઓફિસે કે દવાખાને જતા તેવી અનુભૂતિ થતી પેટીને લઈ શાળાએ જતા.અનેકવિધ ઉપયોગો અને પાછો વટ જુદો.ક્યારેક મારામારી થઈ જાય ત્યારે બચાવ કરવા માટે પણ કામ આવે.
બે વર્ષ જેવો ઉપયોગ કરેલો નિશાળે લઈ જવા પછી બિચારી તૂટી ગઈ અને પછી પણ ઘરે વધારાનો સમાન રાખવા ઉપયોગ કરતો. એક સમય આવ્યો કે કમને પણ ભંગારમાં જવા દેવી પડી.શું થાય? જ્યારે આયુષ્ય જ પૂરું થઈ જાય ત્યારે.
શું એ દિવસો હતા?આજકાલના છોકરાઓને જોઈએ તો કેટલી બધી સુવિધાઓ છે તો પણ ખુશ નથી અને આપણે આવી નાની નાની વાતમાં ખુશ થઈ જતા.ગમતું દફતર કે પેન મળી જાય તો પણ દિવસો સુધી સાતમા આસમાને ફરતા. ખુશી એ વસ્તુ નહીં પણ અંદરનો આનંદ છે ઉમળકો છે. જ્યારે નાની નાની વસ્તુમાં ખૂબ ખુશી મળતી એવા હતા એ સોનેરી દિવસો.
શ્રેયસ ત્રિવેદી