#_ગરાસિયા_ને_ગરાસણી
મધમધ કરતો મોગરો, ને થાળી જેવડાં ફૂલ:
આવ રે મારા ગરાસિયા, તારી પાઘડીએ બાંધું ઝૂલ ! -
એવડાં તે ફૂલ ક્યાં બામ્ધશો? મારી છોટી કેસરપાઘ :
વાહ રે ગરાસિયા બાલુડા, રણે જાણું શું વકરી વાઘ?
મધમધ કરતો મોગરો૦ ...૧
કાજળવરણી રાતડી, ને રૂપલવરણાં ફૂલ:
કાળા રણે કરજો રુધિરની ધારે દુશ્મનનાં શિર ડૂલ !
મધમધ કરતો મોગરો૦ ...૨
કુંકુમ ચોંટ્યા ભાલડે, ને કેસર છાંટ્યાં ચીર :
વિજયી ગરાસિયા ! આવજો, બની શોણિતબોળ્યા વીર !
મધમધ કરતો મોગરો૦ ...૩
એક તો જનનીનાં દૂધડાં, ને બીજાં ઠકરાળાંનાં નૂર;
ત્રીજાં ત્રિલોકે દીપાવવાં મારાં ક્ષત્રીજાયાનાં શૂર:
મધમધ કરતો મોગરો૦ ...૪
શૂરા અખાડિયા મેહુલા, ને શૂરા કો મહાના વંટોળ,
એથી યે શૂરો ગરાસિયો : જોજો રણસંગ્રામે મોલ !
મધમધ કરતો મોગરો૦ ...૫
થાળી જેવડાં ફૂલ ઠકારાળાં, તો સાગર જેવા સ્નેહ:
લાવીશ દિગંતનો કાંઠલો: સદા સોહાવજો આ દેહ !
મધમધ કરતો મોગરો૦ ...૬
- અરદેશર ખબરદાર