છ વર્ષ કરતા વધારે સમય ઉમંગે કચ્છને ખોળે લીલાલહેર કર્યા બાદ એનાથી વિખૂટા પડતી વેળાએ
આખા કચ્છ અને કચ્છીયતને ઉરમાં ધરબીને સર્જેલી કચ્છ માટેની એક રચના:
ઓ મારા કચ્છ,તારો સાથ છોડીને હવે હું જાઉં છું,
હોઠ પર છે થોડી મુસ્કાન ને હૈયે ઘણો હીજરાઉં છું.
મુજ અજાણ્યાને કેવો સહર્ષ સ્વિકાર્યો'તો તે !
તને અલવિદા કહેતા હવે હું ખુબ લજવાઉં છું.
ભુજિયા તારી ભેખડ નિરાળી, સાગર તારો તીર,
શ્વેતરણ તારો ગજબ નજારો હૈયે ભરી જાઉં છું.
કચ્છડા તારી કોમળતાએ અશ્કને આપી કીર્તિ!
તુજબિન શે વીતશે વખત ! પળેપળ હીબકાઉં છું.
તારો મારો સાથ કેવો છૂટ્યો,ખુટ્યા અંજળપાણી,
દુ:ખી છું તને છોડીને, આંખેથી અશ્ક વહાઉં છું.
તને શત શત નમન હજો ઓ મુજ કર્મભૂમિ કચ્છ !
તુજ પાલવમાં ઝુમીને કવિ-લેખક થતો જાઉં છું.
ઓ કચ્છ! તારી ને કીર્તિની એક જ છે રાશી ને કહાની,
તું સદા લીલોછમ્મ રહેજે તુજ પર અશ્ક વરસાઉં છું.
મહોબ્બતભરી તારી માનવતાએ મઠાર્યો છે કેવો મને?
આવ્યો'તો અશ્ક બની,જુઓ રેશમિયા બનીને જાઉં છું !
©અ.રે.